Get The App

સુરત પાલિકાના માનદરવાજા ટેનામેન્ટ ડિમોલિશનની કામગીરીમાં બેદરકારીથી લોકોને મુશ્કેલી, જીવ જોખમમાં

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
સુરત  પાલિકાના માનદરવાજા ટેનામેન્ટ ડિમોલિશનની કામગીરીમાં બેદરકારીથી લોકોને મુશ્કેલી, જીવ જોખમમાં 1 - image


Surat Corporation : સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા માનદરવાજા જર્જરિત ટેનામેન્ટને પાલિકાએ ખાલી કરાવ્યા બાદ પહેલા કાટમાળ માટે 50 લાખનો અંદાજ કર્યો હતો. આશ્ચર્ય સાથે પાલિકાના અંદાજ કરતાં 500 ટકાથી પણ વધુ એટલે કે 3.33 કરોડની ઓફર  આવતા પાલિકાએ ડિમોલિશનની કામગીરી સોંપી દેવામાં આવી હતી. પરંતુ હાલ ડિમોલિશનની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે તેમાં વેઠ ઉતારવા સાથે જોખમી કામગીરી થઈ રહી છે તેના કારણે આસપાસના લોકોને ખતરો ઉભો થયો છે. આ અંગે અનેક ફરિયાદ કર્યા બાદ મ્યુનિ.એ કોઈ પગલાં ન ભરી માત્ર નોટિસ આપી સંતોષ માન્યો છે જેના કારણે કોઈ દુર્ઘટના થાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. 

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા માનદરવાજા ટેનામેન્ટ જર્જરિત થતાં તેને ઉતારી  પાડવા માટે નોટિસ આપ્યા બાદ ખાલી કરાવાયા હતા. આ ટેનામેન્ટ ખાલી કરાવ્યા બાદ આ ટેનામેન્ટ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, હાલમાં માનદરવાજા ટેનામેન્ટ ડિમોલેશન કરનાર ઈજારદારને ગંભીર બેદરકારી દાખવતી હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. મિલકત ડીમોલેશન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એસ.ઓ.પી. બનાવેલી  છે પરંતુ લિંબાયત ઝોન દ્વારા ઈજારદાર પાસે એનું પાલન કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કર્યો છે. તેઓએ કહ્યું છે કે જોખમી રીતે ડિમોલીશન થઈ રહ્યું છે  ડિમોલેશન દરમિયાન ધૂળ ન ઉડે અને સ્થાનિક લોકોનું આરોગ્ય ન જોખમાય એના માટે સતત પાણી છંટકાવ કરવું તેમજ પતરાની બેરિકેટ સહિત ગ્રીન પરદા બાંધવા જરૂરી હોય તેમ છતાં ઈજારદાર દ્વારા મનસ્વી રીતે ડિમોલીશન કરવામાં આવ્યું છે. આ અંગે અનેક ફરિયાદ છતાં  ઝોન દ્વારા માત્ર નોટિસ આપી દીધી છે પરંતુ કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. માનદરવાજા ટેનામેન્ટ માં બેદરકારી પૂર્વક થતાં ડિમોલેશન થી કોઈ અઘટિત ઘટના બને તો એની સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાની જ રહેશે. તેવી ચીમકી પુર્વ કોર્પોરેટરે આપી છે. 


Google NewsGoogle News