વડોદરામાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પર આવેલી ડમ્પિંગ સાઈટથી લોકો પરેશાન : GPCBમાં રજૂઆત
image : Socialmedia
Vadodara : વડોદરા શહેરના ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે આવેલ ડમ્પીંગ સાઈટની અનેક સમસ્યાઓથી પરેશાન સ્થાનિક રહીશોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ ડમ્પીંગ સાઈટને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે.
સ્થાનિક રહેવાસી મયુર કવાડે તથા અન્ય રહીશોએ રજૂઆત કરી છે કે, ગધેડા માર્કેટ ચાર રસ્તા પર કચરા ડમ્પિંગ સાઇટ ઊભી કરી છે. જેના કારણે આસપાસ વસતા અને પસાર થતા લોકોના આરોગ્ય પર સીધી અસર થઈ રહી છે. આ ડમ્પીંગ સાઈટના કારણે વિસ્તારમાં સતત તીવ્ર દુર્ગંધ રહે છે. પરિણામે આસપાસના રહેવાસીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. મહત્વનું છે કે, ગંદકીના કારણે મચ્છર અને જીવાતોની સંખ્યા વધતા ડેંગ્યુ, મલેરિયા અને અન્ય રોગોનો ભય પણ છે. આ ડમ્પીંગ સાઈટ મુખ્ય માર્ગ ઉપર હોય વાહન વ્યવહારને અસર પહોંચતા છાસવારે ટ્રાફિકજામના દ્રશ્ય જોવા મળે છે. જેથી રાહદારીઓ અને વાહન ચાલકો સાથે સ્થાનિકો પણ પરેશાન થાય છે. ડમ્પીંગ સાઈડની આસપાસ શાક માર્કેટ ભરાતી હોય વેપારી અને ગ્રાહકો તકલીફનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ લોકોના આરોગ્ય માટે જોખમ છે. જેથી વિનંતી છે કે, આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો નગર નિગમ અને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાશે.