જન સેવા કેન્દ્રોમાં થતી કામગીરીનું સર્વર ડાઉન થતાં લોકો પરેશાન
સાંજે આવકના દાખલાનું કામ શરૃ થયું, રેશનકાર્ડને લગતી કામગીરી બંધ રહી
વડોદરા, તા.21 ડિજિટલ ગુજરાતમાં આજે રેશનકાર્ડ, આવકનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે રાજ્યના નાગરિકોએ હેરાન પરેશાન થવું પડયું હતું. સવારથી જ ડિજિટલ ગુજરાતનું સર્વર ડાઉન રહેતા સવારથી જન સેવા કેન્દ્રો પર આવેલા મોટી સંખ્યામાં અરજદારો અટવાયા હતાં.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે રવિવારની રજા હોવાથી આજે સોમવારે સવારે નવ વાગ્યાથી જ મોટી સંખ્યામાં અરજદારો જન સેવા કેન્દ્ર પર રેશનકાર્ડ સહિતના કામો માટે પહોંચી ગયા હતાં. જો કે લાઇનમાં ઊભા રહેલા લોકોને સર્વર ડાઉન હોવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમયમાં સર્વર ફરી ચાલુ થશે તેવી આશાઓ સાથે નાગરિકો કલાકો સુધી બેસી રહ્યા હતાં પરંતુ સર્વર શરૃ નહી થતાં આખરે રવાના થવું પડયું હતું. નોકરી પરથી અડધી રજા લઇને અથવા અન્ય કામો છોડીને જન સેવા કેન્દ્ર પર આવેલા લોકોએ સરકારી તંત્ર પર બળાપો ઠાલવ્યો હતો.
વડોદરા શહેરમાં ચાર જન સેવા કેન્દ્રો તેમજ જિલ્લામાં આઠ મળી કુલ ૧૨ જન સેવા કેન્દ્રોમાં ગરમીમાં લોકો હેરાન થઇ ગયા હતાં. આશરે ૧૦૦૦થી વધુ લોકોના વિવિધ કામો આજે થઇ શક્યા ન હતાં. ડિજિટલ ગુજરાતમાં સર્વર ડાઉન રહેવાથી લોકોએ વારંવાર હેરાન પરેશાન થવું પડે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બપોરે ત્રણ વાગ્યા બાદ આવકના દાખલા અંગેની કામગીરી શરૃ થઇ ગઇ હતી જ્યારે રેશનકાર્ડને લગતા કામો ચાલુ થયા ન હતાં. વડોદરાના જન સેવા કેન્દ્રમાં કાલે સવારે સાડા નવ વાગ્યાથી કામગીરી શરૃ કરી દેવામાં આવશે.