શહેરની મોબાઈલ એસેસરીઝના વેપારી સામે દંડાત્મક કાર્યવાહી
સ્ટેટ જીએસટીની બીટૂસી ડ્રાઈવ : બીલ વગરના ખરીદી-વેચાણના વ્યવહારો સામે કાર્યવાહી
બીલ વગર માલનું ખરીદ-વેચાણ થતું હોવાનું તપાસમાં ખુલતા દંડ ફટકાર્યો, બોટાદ-અમરેલીમાં પણ તપાસ થઈ
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવની સામે, કાળાનાળા અને મ્યૂનિસિપલ કોર્પોરેશનની સામે આવેલા કોમ્પ્લેક્સમાં સ્થિત ગુડલક મોબાઈલ એસેસરીઝ નામની પેઢીના ઉપરોક્ત અલગ-અલગ ત્રણ સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગે ગત ૨૪ ડિસેમ્બરના બપોરે ૧૨ કલાકે તપાસ શરૂ કરી હતી, જે ગઈકાલે મોડી સાંજ સુધી ચાલી હતી. સ્ટેટ જીએસટી વિભાગે પેઢીના ખરીદ-વેચાણ અને સ્ટોકને લગતા વ્યવહારોની નોંધો ચકાસી હતી. બે દિવસ સુધી ચાલેલી આ તપાસમાં પેઢી દ્વારા બીલ વગર માલની ખરીદી અને વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલતા પેઢીને આશરે ૮ થી ૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. જોકે સત્તાવાર રીતે વિભાગ દ્વારા હજુ કંઈ પણ જાણકારી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, હાલ વિભાગ દ્વારા બીટૂસી કેટેગરી હેઠળ થતાં બીલ વગરના વ્યવહારો સામે ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં ભાવનગર ઉપરાંત અમરેલી અને બોટાદમાં પણ તપાસ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં લગ્નસરાની સિઝનમાં પોશાક ભાડે આપનારા કપડાના વેપારીઓને ત્યાં પણ તપાસ થઈ હોવાનું જાણવા મળ્યું છે. બીટૂસી કેટેગરી હેઠળના વ્યવહારોમાં કોઈ પણ પક્ષકાર તરફથી વિભાગને બીલ વગરના વ્યવહારોની ફરિયાદ મળશે તો તેના આધારે પણ વિભાગ કાર્યવાહી કરશે તેમ પણ જાણવા મળ્યું છે.