જેસરથી બગદાણા-ભગુડા રોડ પર મસમોટા ખાડાથી રાહદારી પરેશાન
- વિકાસના નામે કરોડો ફાળવાય છે પણ પરિણામ શૂન્ય
- બિસ્માર રોડના કારણે કેટલીક એસ.ટી.ની બસો બંધ કરાતા યાતાયાતના પ્રશ્નો ઉઠયા
જેસર તાલુકો બન્યાને ૧૦થી ૧૨ વર્ષ થયા પરંતુ જેસર તાલુકો વિકાસમાં હજુ પછાત છે. જેસરથી પાલિતાણા તેમજ જેસરથી મહુવા અને જેસરથી યાત્રાધામ બગદાણા ભગુડા રોડ હજુ સુધી બન્યા નથી. મોસમોટા ખાડાઓના કારણે વાહન ધારકો ગળે આવી ગયા છે. અમુક એસ.ટી. બસો આ રોડ ખરાબ હોવાથી ડેપો વાળાને બસ બંધ કરી દીધેલ છે એસ.ટી. બસો બંધ થતા મહુવા, પાલિતાણા, ભાવનગર જવા માટે દર્દીઓ તેમજ વિદ્યાર્થીઓ અને કાયમી અપડાઉન કરતા મુસાફરો હેરાન થાય છે તેમજ ગારિયાધારથી જેસર મહુવા બસના બે ફેરા છેલ્લા એક માસથી બંધ કરેલ છે. અઠવાડિયામાં બેથી ત્રણ ફેરા જ કરે છે. આ બસમાં સારી આવક પણ હતી. આ બસ વહેલી તકે શરૂ કરવા મુસાફરોની માંગણી છે તેમજ મહુવાથી જેસર સવારે ૭ વાગ્યાનો ફેરો પણ અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ જ ચાલે છે જેથી મુસાફરોને જીવના જોખમે ખાનગી વાહનોમાં વધારે પૈસા ખર્ચીને મુસાફરી કરવી પડે છે તેવી જ રીતે ભાવનગર જવા માટે સવારે ૭.૩૦ કલાક પછી એકપણ ભાવનગર સુધી ડાયરેક્ટ બસ મળતી નથી અને બપોરે ૨ વાગ્યે પાલિતાણા ડેપોની ભાવનગર જવા માટે ચાલતી હતી તે બસને પણ જેસરથી પાલિતાણા સુધી કરી નાખેલ છે. એસ.ટી. બસના પાલિતાણા, મહુવા તથા ગારિયાધાર ડેપોને આ રોડ ઉપર નવી બસો મુકવામાં રસ નથી અને જવાબદાર તંત્રને સારા રસ્તા આપવામાં રસ નથી. પંથકના લોકોનું જે થવું હોય તે થાય તેવી માનસિક્તા સામે વ્યાપક લોકરોષ ફેલાવા પામ્યો છે.