અજાણ્યા વાહન ચાલકની અડફેટે હેમરાજપુરાના રાહદારીનું મોત
- ઉમરેઠના મેઘવા બડાપુરામાં હિટ એન્ડ રન
- મજૂરી કામથી પરત ફરતા યુવકને કેનાલવાળા રોડ ઉપર ટક્કર મારી વાહન ચાલક ફરાર
ઉમરેઠ તાલુકાના હેમરાજપુરા ખાતે રહેતા વીરેશભાઈ બાલુભાઈ ચૌહાણના ભત્રીજાનો દીકરો દિલીપભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણ નજીક આવેલા તેમના ખેતરમાં પરિવાર સાથે રહી છૂટક મજૂરી કામ કરતો હતો. ગતરોજ દિલીપભાઈ ચૌહાણ મજુરી કામ અર્થે મેઘવા ગામની ખાબડીયા સીમમાં ગયો હતો. જ્યાંથી રાતે તે કેનાલવાળા રોડ ઉપરથી ચાલતા પરત આવી રહ્યો હતો. દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે હંકારી ચાલતા જઈ રહેલા દિલીપભાઈ ચૌહાણને ટક્કર મારી હતી. જેથી તે રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે આસપાસના સ્થાનિકોને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે વિરેશભાઈ ચૌહાણે ભાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.