વઢવાણ માર્કેટયાર્ડ પાસે બાઈકની અડેફટે ઈજાગ્રસ્ત રાહદારીનું મોત
- અકસ્માત સર્જનાર બાઈકચાલક સામે ગુનો
- ઇજાગ્રસ્તે રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડયો
સુરેન્દ્રનગર : વઢવાણ માર્કેટીંગ યાર્ડના ગેઈટ પાસે એક રાહદારીને થોડા દિવસો પહેલા બાઈકચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમ્યાન રાહદારીનું મોત નિપજ્યું છે. મૃતકના ભાઈએ બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવતા બી-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વઢવાણ નવા દરવાજા બહાર કોળીપરા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ વશરામભાઈ સારોલાના મોટાભાઈ ભરતભાઈ સારોલા વઢવાણ માર્કેટીંગ યાર્ડ સામે આવેલ ફોર વ્હીલના શોરૂમમાં કામ કરતા હોય ગત તા.૧૩ ડિસેમ્બરના રોજ કામ પરથી સાંજના સમયે પરત ચાલીને ઘરે આવી રહ્યાં હતાં. તે દરમિયાન માર્કેટીંગ યાર્ડના ગેઈટ પાસે ભરતભાઈને બાઈકચાલકે અડફેટે લેતા હાથે પગે તેમજ કપાળના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. આથી સારવાર અર્થે હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલ લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજતા હતું. ફરિયાદીએ અકસ્માત સર્જનાર બાઈકચાલક રવિભાઈ જગદીશભાઈ લકુમ (રહે.કોઠારી) સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.