વ્યાયામ શિક્ષકોની આપવીતી: 'નેતાઓ રિબનો કાપે છે અને અમે 45 ડિગ્રી ગરમીમાં આંદોલન...'
Physical Education Teachers Protest : ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં ન આવતાં ઉમેદવારો દ્વારા રાજ્યભરમાંથી વ્યાયામ શિક્ષકો આંદોલન માટે પહોંચ્યા છે. રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કરવામાં આવે છે. એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે, તેના કરતાં ખૂબ ઓછી સંખ્યામાં કરવામાં આવે છે. રાજ્યમાં ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં જ આવતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.
ઉમેદવારોનું કહેવું છે કે, જ્યારે આ બાબતે વિરોધ પ્રદર્શન કે ધરણા કરવામાં આવે છે, તો પોલીસ અમને ડિટેઇન કરી ટિંગાટોળી કરીને લઈ જાય છે અને અમારું મનોબળ તોડવાનું કામ કરે છે. પરંતુ કેટલાય વર્ષોથી કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરાતી નથી.'
3100થી વધુ જગ્યાઓ ખાલી
મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી દ્વારા સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ(SAT)ની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 5,000 જેટલી ખાલી જગ્યાઓમાં બેચલર ઑફ ફિઝિકલ એજ્યુકેશન(BPE), BPED, MPED-MPEનો અભ્યાસ પૂર્ણ કરેલા લાયક ઠરતાં 1,700 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા હતા. 1465 ખેલ સહાયકોને રિન્યુ કર્યા હતા. જ્યારે 3100થી વધુ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે.
ગાંધીનગર ખાતે ગત અઠવાડિયામાં 500-600 જેટલા ઉમેદવારો 11 મહિનાના કરાર આધારિત ખેલ સહાયક યોજના રદ કરાવવા અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાને લઈને આંદોલન કરી રહ્યા છે. જેમાં 200 જેટલી મહિલા ઉમેદવારોમાંથી અમુક મહિલાઓ તો પોતાના બાળકોને સાથે રાખીને આંદોલન પર ઉતરી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં રાજ્યભરના વ્યાયામ શિક્ષકોની કાયમી થવા 'કસરત', કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની માગ સાથે ધરણા
'7-8 મહિનાનો જ પગાર અપાયો છે, એમાં પણ ધાંધિયા'
અમદાવાદના ધંધુકાના મેહુલ ડોંડા નામના SAT પાસ ઉમેદવારનું કહેવું છે કે, 'ગત અઠવાડિયામાં અમે ગાંધીનગર ખાતે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માગને લઈને આંદોલન કર્યું હતું. આ વખતે શિક્ષણ મંત્રીએ અમને કહ્યું કે, 'CMO ઑફિસમાં વાત કરીને તમને જાણ કરીશ.' ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા વ્યાયામ શિક્ષકોની વયમર્યાદામાં બે વર્ષનો વધારો કરીને મુખ્ય મુદ્દાને ભટકાવાનું ગતગડું શોધી કાઢ્યું. પરંતુ કાયમી ભરતી અંગે કોઈ જવાબ મળ્યો નથી. જ્યારે હવે સરકાર ખેલ સહાયક યોજના લાવીને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરતી નથી. હાલ ગુજરાતભરના ખેલ સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે. જ્યારે રિન્યુની પ્રોસેસમાં ફરીથી ફોર્મ ભરવાના, સ્થળ પસંદગી કરીને મેરિટમાં નામ આવે ત્યાં સુધી બે મહિના સુધી બેસી રહેવાનું. આ સાથે ખેલ સહાયક તરીકે ફરજ બજાવતી વખતે શિયાળું અને ઉનાળું વેકેશનના બે મહિના પણ પગાર મળતો નથી. આમ ખેલ સહાયકમાં કુલ 7-8 મહિનાનો જ પગાર અપાયો છે, એમાં પણ ચૂકવણીમાં ધાંધ્યા કરવામાં આવે છે.'
3500 જેટલી પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકોની જરૂર
ઉમેદવારોનું કહેવું છે કે, છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી. જ્યારે 5075થી વધુ શાળામાં વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતાની ઓળખ અને યોગ્ય દિશાનિર્દેશ માટે વ્યાયામ શિક્ષકો જ નથી. રાજ્યમાં 300થી વધુ વિદ્યાર્થી ધરાવતી લગભગ 3500 જેટલી પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકોની જરૂર છે. જ્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ NEP 20 અને RTE 2009ની જોગવાઈ મુજબ વ્યાયામ શિક્ષક અને શારીરિક શિક્ષણને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું છે. તેમ છતાં સરકાર દ્વારા વર્ષ 2009થી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. ગાંધીનગરમાં આંદોલન કરનારા ઉમેદવારો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે, ખેલ સહાયક યોજના બંધ કરીને SATના આધારે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરીને તેમની નિમણૂક આપવામાં આવે.
40 હજારો શિક્ષકોની ઘટ
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ વધુને વધુ કથળી રહી છે. રાજ્યમાં 40 હજારો શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. છતાં સરકારને ભરતી કરવામાં રસ નથી. એવું જાણવા મળ્યું છે કે, ડેડિયાપાડામાં કેટલીય શાળાઓ એવી છે, જ્યાં એક શિક્ષક છે. આ એક શિક્ષક તમામ વિદ્યાર્થીઓને કેવી રીતે અભ્યાસ કરાવતા હશે તેની કલ્પના કરવી રહી. બીજી તરફ ગોધરામાં વાવડી પ્રાથમિક શાળા જર્જરિત અવસ્થામાં છે. જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ પડું પડું વર્ગખંડ શિક્ષકો અને બાળકો માટે યમદૂત બની શકે છે. ઘણાં ઠેકાણે તો બાળકો ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. જ્યારે રાજ્યમાં 38 હજાર વર્ગખંડોની અછત હોવાનું સામે આવ્યું છે. જેમાં 3353 શાળામાં 10,698 ઓરડા જર્જરીત અવસ્થામાં છે. આ પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ કેવી રીતે ભણતાં હશે તે અંગે સવાલ ઊભા થયા છે.