'નમો લક્ષ્મી, નમો સરસ્વતી' યોજનામાં 30 હજારથી વધુ છાત્રોનું ચુકવણું અધ્ધરતાલ
- સત્ર શરૂ થયાના 8 મહિના બાદ પણ
- અધકચરી સહાય ચુકવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વિધામાં : શિક્ષણાધિકારી કચેરી પાસે પણ વિગતો નથી !
રાજ્ય સરકારે જૂન-૨૦૨૪થી શરૂ થયેલાં શૈક્ષણિક સત્રના પ્રારંભથી નમો લક્ષ્મી યોજના અમલી કરી હતી. જેમાં શાળા કક્ષાએથી ધો.૯ની વિદ્યાર્થિનીઓના તાબડતોબ ફોર્મ ભરાયા હતાં જેથી તમામ દીકરીઓને ૯ થી ૧૨ સુધીના હપ્તાની ઉજળી આશા જાગી હતી. આ યોજના હેઠળ ભાવનગરમાંથી ૫૨ હજાર ફોર્મ ભરાયા હતા અને ૫૦ હજાર ફોર્મ મંજૂર પણ થયા હતા તો આ સાથે વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપવા ધો.૧૧ સાયન્સના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના પણ અમલી કરાઇ હતી જેમાં જિલ્લાભરમાંથી ૧૦,૬૦૦ ફોર્મ ભરાયા હતાં અને ૯૫૦૦ મંજૂર થયા હતા અને બન્ને યોજનાનો પ્રથમ અને બીજો હપ્તો એક સાથે જે-તે વિદ્યાર્થીના ખાતામાં ડીબીટી પદ્ધતિથી જમા કરાવવાનો પરિપત્ર પણ થયો હતો. પરંતુ બન્ને યોજના શરૂ થયાના આઠ માસ બાદ પણ ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીને આ સહાય મળી નથી.
અમુક કિસ્સામાં કેટલાક વિદ્યાર્થીઓને સહાય પેટે પ્રથમ હપ્તાની રકમ પણ બેંકખાતા મારફતે મળી નથી તો, અમુક કિસ્સામાં એક જ શાળા અને એક જ વર્ગના વિદ્યાર્થીઓમાંથી અમુકને બેથી ત્રણ હપ્તાની રકમ બેંક ખાતામાં જમા આવી છે તો અમુકને હજુ સુધી રાતીપાઈ પણ ન મળતાં વિદ્યાર્થી-વાલીઓની શાળાકક્ષાએ પૂછપરછ વધી છે. જો કે, સહાય જમા ન થવાના કારણને લઈ ન તો સ્કૂલવાળા ફોડ પાડી રહ્યા છે કે ન તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સ્પષ્ટતા કરી શકતી નથી.આ મામલે વદ્યાર્થીઓના ખાતામાં નિયત હપ્તા ૮ મહિને પણ જમા થયા નથી ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ અંગે ત્વરીત પગલા લઇ યોગ્ય કાર્યવાહી કરે તેવી વિદ્યાર્થી- વાલી વર્ગમાંથી માંગ ઉઠી છે.