Get The App

રેલવેમાં ટિકિટ, પાર્સલ, રિટાયરિંગ રૂમ, ગુડ્સ સહિતની ચૂકવણી ઓનલાઇન થઈ શકશે

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
રેલવેમાં ટિકિટ, પાર્સલ, રિટાયરિંગ રૂમ, ગુડ્સ સહિતની ચૂકવણી ઓનલાઇન થઈ શકશે 1 - image


- ભાવનગર રેલવે ડિવિઝનના તમામ સ્ટેશનો પર 

- એટીવીએમ સુવિધા ભાવનગર ટમનસ, બોટાદ, ગાંધીગ્રામ, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ અને ગોંડલ પર ઉપલબ્ધ

ભાવનગર : ભાવનગર રેલવે ડિવિઝનના તમામ સ્ટેશનો પર ટિકિટ, પાર્સલ, રિટાયરિંગ રૂમ, ગુડ્સ સહિતની ચૂકવણી ઓનલાઇન થઈ શકશે. એટીવીએમ સુવિધા ભાવનગર ટમનસ, બોટાદ, ગાંધીગ્રામ, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ અને ગોંડલ પર ઉપલબ્ધ છે. 

રેલવે પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે, હવે રેલવેએ ટિકિટ, પાર્સલ, રિટાયરિંગ રૂમ, ગુડ્સ અને અન્ય તમામ ચૂકવણીઓ માટે ઓનલાઇન ડિજિટલ પેમેન્ટ શરૂ કર્યું છે. આ ઉપરાંત હવે રેલવે સ્ટેશનો પર મુસાફરોને લાંબી ભીડમાંથી રાહત આપવા અને ડિજિટલ ઈન્ડિયા તરફ વધુ એક પગલું ભરવા માટે રેલવે સ્ટેશનો પર અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પર આનલાઇન ડિજિટલ પેમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ આ સુવિધા માત્ર ઓનલાઈન ટિકિટ બુક કરાવવા પર ઉપલબ્ધ હતી, પરંતુ હવે આ સુવિધા ટિકિટ વિન્ડો પર પણ ઉપલબ્ધ છે, જેનાથી ટિકિટ કાઉન્ટર પર ટિકિટ ખરીદવા જતા લોકોને ઘણી રાહત મળી રહી છે. ક્યુઆર કોડની મદદથી મુસાફરો ટિકિટ કાઉન્ટર પર ઉભા રહીને પણ મોબાઈલ દ્વારા પેમેન્ટ કરી શકે છે. યુપીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ લોકોને છૂટા નાણાંની સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. મોબાઈલ એપ પર યુટીએસ દ્વારા પણ જનરલ ટિકિટ બુક કરી શકાય છે. 

 જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ મોબાઈલ એપ પર યુટીએસમાં મોટા ફેરફારો કર્યા છે. આમાં, સામાન્ય ટિકિટ બુક કરવા માટેની અંતર મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના તમામ સ્ટેશનો પર ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે. સ્ટેશનો પર ટિકિટ કાઉન્ટર પર સ્થાપિત ડાયનેમિક ક્યુઆર કોડ ઉપકરણો સ્ક્રીન પર ચૂકવવાની રકમ દર્શાવે છે, જે પારદશતા જાળવવામાં મદદ કરે છે.  

રેલવે મુસાફરો પાસે હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે યુટીએસ મોબાઈલ એપ, એટીવીએમ, પીઓએસ અને યુપીઆઈ જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો ઉપલબ્ધ છે. એટીવીએમ સુવિધા ભાવનગર મંડળના સાત સ્ટેશનો, ભાવનગર ટમનસ, બોટાદ, ગાંધીગ્રામ, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ અને ગોંડલ પર ઉપલબ્ધ છે.

ભાવનગરના ડીઆરએમ રવીશ કુમારે મુસાફરોને સમય બચાવવા અને લાંબી કતારોમાં ઉભા રહેવાની ઝંઝટથી બચવા ટિકિટ ભાડું ડિજિટલ રીતે ચૂકવવા અનુરોધ કર્યો છે.  


Google NewsGoogle News