Get The App

ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની 44 કિલોમીટરની પરિક્રમા શરૂ, હજારો ભક્તો જોડાયા

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની 44 કિલોમીટરની પરિક્રમા શરૂ, હજારો ભક્તો જોડાયા 1 - image


Pavagadh Parikrama : ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ થયો છે. આજે સોમવારથી બે દિવસ માટે શરૂ થયેલી પરિક્રમામાં હજારો માઈ ભક્તો જોડાયા છે. છેલ્લા નવ વર્ષથી માઈ ભક્તો દ્વારા પાવાગઢની 44 કિલોમીટરની પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરે 500 વર્ષ બાદ ધ્વજા રોહણ અને જીર્ણોદ્ધાર થયા બાદ ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે. આ પરિક્રમા વિશે જેમ જેમ લોકોને ખબર પડી રહી છે, તેમ તેમ દર વર્ષે ભક્તોની સંખ્યા પણ વધી રહી છે.

ક્યારથી શરૂ થઈ પાવાગઢની પરિક્રમા?

આજે સોમવારે પાવાગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરેથી તાજપુરા આશ્રમના પૂ.લાલ બાપુ, રામજી મંદિરના રામ શરણ બાપુ તેમજ અન્ય સાધુ સંતો અને ધારાસભ્ય સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં બે દિવસની 9મી પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ થયો છે. શિયાળામાં ઠંડક રહેતી હોવાથી ભક્તોને ખાસ કોઈ તકલીફ પણ નથી પડતી. પહાડોવી વચ્ચે કુદરતી સૌદર્યને માણતા માણતા અને માતાજીનું નામ લેતા ભક્તો હર્ષોલ્લાસ સાથે આ યાત્રા કરે છે.

પરિક્રમાના રૂટ પર વિવિધ સેવાની વ્યવસ્થા

પરિક્રમામાં વડોદરા, પંચમહાલ તેમજ આસપાસના જિલ્લામાંથી સેંકડો ભક્તો ઉમટ્યા છે. વહેલી સવારથી જ ઠેર ઠેર સંઘો ભજન મંડળીઓ સાથે પરિક્રમામાં સામેલ થયા. ભક્તો માટે રસ્તામાં મહાપ્રસાદ તેમજ ચા-નાસ્તાની સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરાઈ છે. પરિક્રમાવાસીઓ સાંજે તાજપુરા ખાતે નારાયણ ધામમાં રોકાણ કરશે અને આવતીકાલે સવારે પરિક્રમા સંપન્ન થશે.


Google NewsGoogle News