પાવાગઢમાં નિજ મંદિર સુધી રોપ-વે લંબાવવાશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી, શ્રદ્ધાળુઓને મળશે રાહત
Pavagadh Rope Way: યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શને જતા ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે માતાજીના મંદિર સુધી પહોંચવા માટે રોપ-વેને લંબાવવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જો કે, સ્થાનિક સ્તરેથી મંજૂરની રાહ જોવાઈ રહી છે. નોંધનીય છે કે, રોપ-વે બાદ મંદિર સુધી પહોંચવા માટે 400થી વધુ પગથિયાં ચઢવા પડે છે.
દુધિયા તળાવ સુધી જ રોપ-વે સેવા
યાત્રાધામ પાવાગઢ મંદિરમાં માત્ર દુધિયા તળાવ સુધી જ રોપ-વે સેવા છે. દૂધિયા તળાવથી નિજ મંદિર સુધી 400થી વધુ પગથિયા છે. વૃદ્ધો અને બિમાર લોકો માટે આ પગથિયા ચઢવા મુશ્કેલી થતી હતી અને ત્યાંથી જ દર્શન કરીને પરત ફરતા હતા. જો કે, હવે નિજ મંદિર સુધી રોપ-વે બનશે તો તમામ લોકો સરળતાથી માતા દર્શન કરી શકશે.
રોપ-વેને લંબાવવાની મંજૂરી મળી
કેન્દ્ર સરકારની નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીએ પાવાગઢમાં રોપ-વેને મંદિર સુધી લંબાવવા માટેની મંજૂરી આપી દીધી છે. આ પછી એક જોઇન્ટ મોનિટરિંગ સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિએ સ્થળ તપાસ તાજેતરમા કરી લીધી છે અને રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, મંદિર સુધી રોપ-વે જાય તે માટે બે તબક્કામાં આગામી બે મહિનામાં 100 કરોડના રોકાણ સાથે કામગીરી હાથ ધરવામાં આવી શકે છે.