આજે પ્રજાસત્તાક પર્વે ગોહિલવાડમાં ચોમેર દેશભકિતના ગીતો ગુંજી ઉઠશે
- તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધ્વજવંદન, રમત-ગમત, વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજાશે
તા.૨૬ જાન્યુઆરીને રવિવારે પ્રજાસત્તાક દિનના મહાપર્વે ગોહિલવાડ રાષ્ટ્રભકિતના રંગે રંગાઈ જશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં શૈક્ષણિક, સામાજિક તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ પરંપરાગત રીતે ર્ષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવશે અને ધ્વજવંદન કરી સલામી આપવામાં આવશે. આ સાથે જ મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં આજે સાંસ્કૃતિક, સાહિત્યિક પ્રોેજેકટસ અને પ્રવૃતિઓ હાથ ધરાશે. ઉપરાંત, સેતુબંધ માણેકવાડી મિત્રમંડળ દ્વારા રવિવારે સવારે ૯ થી ૧૧ શહેરના ક્રેસંટ સરદાર સ્મૃતિ મેઈન ગેઈટ પાસે ભારત માતાના પૂજનનો કાર્યક્રમ યોજાશે. જેમાં સ્થાનિક વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા ભારત માતાનું પૂજન અર્ચન કરાશે.આ ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લામાં ન્યાયાલય સહિતની સરકારી, અર્ધ-સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદન સમારોહ યોજાશે.રાષ્ટ્રીય પર્વના એક સપ્તાહ અગાઉ શહેરની મુખ્ય બજારોમાં, ટ્રાફીક સિગ્નલોની આસપાસ, બાગ બગીચાઓ તેમજ સર્કલોની આસપાસ ઉપરાંત બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના સાર્વજનિક સ્થળોએ રાષ્ટ્રધ્વજનું શ્રમિક પરિવારો દ્વારા વેચાણ શરૂ જાય છે. આ સાથે સ્થાનિક ખાદી ભંડાર કેન્દ્રોમાં પણ હાલ મોટા પાયે રાષ્ટ્રધ્વજનું તેમજ ખાદીના તૈયાર વસ્ત્રોનું વેચાણ ધૂમ વેચાણ થઈ રહેલ છે.
ધર્મસ્થાનોમાં રાષ્ટ્રભકિતની થીમ પર સુશોભન કરાશે
આવતીકાલે રવિવારે પ્રજાસત્તાક દિનના અવસરે ભાવનગર શહેર અને જિલ્લાના તમામ પ્રાચીન અને અર્વાચીન ધર્મસ્થાનકોના ગર્ભગૃહ સહિતના સમગ્ર પરિસરમાં રાષ્ટ્રભકિતની થીમ પર કલાત્મક મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવશે જે ભાવિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.