માતંગી મંદિરે આવતીકાલે પાટોત્સવ : સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અખંડ યજ્ઞ યોજાશે
Matangi Temple Bhavnagar : સમગ્ર ગુજરાત રાજયમાં એકમાત્ર ભાવનગરમાં આવેલા મોઢ સમાજના કુળદેવી માતંગી માતાજીના મંદિરમાં આગામી તા.10 મીએ યોજાનાર 24 માં પાટોત્સવ અવસરે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી નિશુલ્ક અખંડ યજ્ઞા યોજાશે. જેમાં નાત જાતના ભેદભાવ વગર તમામ ભાવીકો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે આહૂતિ અપાશે. તેમજ ભાવિકો શીખર સ્નાનનો પણ ધર્મલાભ લઈને ધન્યતા અનુભવશે.
વિદ્યા અને કલાની દેવી ગણાતા માતંગી માતાજીના સમગ્ર ગુજરાત રાજયમાં 10થી વધુ સ્થળોએ માઈ મંદિર આવેલા છે. જે પૈકીના મહેસાણા પાસેના મોઢેરા બાદ ભાવનગર શહેર અને જિલ્લાના એકમાત્ર ગણાવાતા શહેરના સરદારનગરમાં આવેલ સમસ્ત મોઢ સમાજની આસ્થાના કેન્દ્ર સમાન માતંગી માતાજીના મંદિરમાં વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃતિઓનો ધમધમાટ જોવા મળે છે. જેમાં ભાવનગરમાં સ્થાયી થયેલા મોઢ વણિક અને મોઢ બ્રાહ્મણ સમાજના 25 હજારથી વધુ ભાવિકો સહભાગી થતા હોય છે.
મોઢેશ્વરી ઉર્ફે માતંગી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે 24 માં પાટોત્સવની ઉજવણીનો ગત તા.25મીથી પ્રારંભ થયો હતો. જયારે આજે તા.9 ને રવિવારે સાંજે 4 કલાકે વૈષ્ણવો માટે રસિયાનો કાર્યક્રમ યોજાશે. જેમાં 100 કિલો ફૂલોની પાંખડીની વૃષ્ટિ કરાશે. જયારે તા.10 ને સોમવારે સવારે 5-30 કલાકે કેસર સ્નાન, સવારે 6-30 કલાકે મંગળા આરતી થશે.
ત્યારબાદ સવારે 7 કલાકે 51 લીટર ગાયના દૂધથી શિખરસ્નાન થશે, બાદ ધ્વજારોહણ, રાજોપચાર પૂજા, અભિષેક પૂજા થશે અને બપોરે 151 વાનગીઓનો અન્નકુટ ધરાશે. બપોરે 4 કલાકે અઢારેય વરણના ભાવિકોને સાથે રાખીને ઘોડા અને બગીઓ તેમજ જનજાગૃતિવર્ધક ફલોટસ સાથેની વિશાળ પાલખીયાત્રા નિકળશે. સાંજે 7 કલાકે મહાનિલાંજન આરતી અને ભવ્ય આતશબાજી થશે ત્યારબાદ મહાપ્રસાદ રાખેલ છે.
2008 થી દર વર્ષે પાલખીયાત્રા નિકળે છે
ટ્રસ્ટ દ્વારા 2008 માં હાથીની અંબાણી પર માતાજીને બિરાજમાન કરાવી નગરયાત્રા યોજાઈ હતી, ત્યારથી દર વર્ષે રથયાત્રા નિકળે છે. જેમાં 2011 માં હેલીકોપ્ટર દ્વારા પાલખીયાત્રા પર પુષ્પવૃષ્ટિ કરાઈ હતી.