વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં સુવિધાને અભાવે દર્દીઓ પરેશાન
- કાયમી ડોક્ટરનો અભાવ, એક્સ-રેની સુવિધા નથી
- આરોગ્ય અધિકારીએ આળસ ખંખેરી ઓક્સિજન પર રહેલી સરકારી હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરાવવા તસ્દી લેવી જોઈએ
વલ્લભીપુર : વલ્લભીપુરની સરકારી હોસ્પિટલ ખૂદ માંદગીના ખાટલે હોય તેમ સુવિધાઓના અભાવે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. તેમ છતાં જિલ્લા આરોગ્ય અધિકારી કે રાજકીય નેતાઓના પેટનું પાણી હલતું નથી.
વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં ઘણાં લાંબા સમયથી કાયમી ડોક્ટરની જગ્યા ખાલી પડી છે. તેમજ એક્સ-રે મશીનની સુવિધા ન હોવાથી શહેર-તાલુકાના દર્દીઓને દૂર દૂર સુધી લાંબા થવું પડે છે. આ કારણે દર્દીઓની સાથે તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઓક્સિજન પર રહેલી સરકારી હોસ્પિટલમાં કાયમી ડોક્ટરની નિમણૂક, એક્સ-રે મશીનની સુવિધા શરૂ કરવા અને અન્ય સવલતો ઉભી કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીએ આળસ ખંખેરવી જોઈએ તેવી વલ્લભીપુર પંથકની જનતાની માંગણી છે. રાજકીય નેતાઓ દ્વારા પણ લોકોના પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે તેવું જાગૃત નાગરિકો ઉચ્છી રહ્યા છે.