Get The App

સુરતમાં 100 વર્ષ જૂની હોસ્પિટલ માંદી પડી : ગેરકાયદે દબાણના લીધે દર્દીઓ તોડે છે દમ

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
Surat Hospital


Encroachment At Chauta Bazaar of Surat : સુરતમાં દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજારમાં માથાભારે ગેરકાયદે દબાણના કારણે 100 વર્ષ જૂની હોસ્પિટલ બીમાર પડી ગઈ છે. આ હોસ્પિટલની આસપાસ પારાવાર દબાણ હોવાના કારણે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના વાહનો આ વિસ્તારમાં પહોંચી શકે એમ જ નથી. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સમયસર નહી પહોંચવાથી દર્દીઓના મૃત્યુ થયા છે તે હકીકત છે, આ અંગે અનેક વખત પાલિકા તંત્રને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં દબાણ દુર કરવા માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. સુરત પાલિકાને કાયદાની જવાબદારી પ્રતિ ધ્યાન ખેંચવાનો એક વધુ પ્રયત્ન કરી હોસ્પિટલ દ્વારા પત્ર લખીને દબાણ દુર કરવા માટેની માગણી કરી છે. 

સુરતનું ચૌટા બજાર ગેરકાયદે દબાણ માટે કુખ્યાત છે. છેલ્લા બે મહિનામાં બે વાર આગ લાગી ત્યારે આ વિસ્તારમાં દબાણના કારણે ફાયર બ્રિગેડના વાહનો પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી. આ ઉપરાંત અનેક વખત આ ગેરકાયદે દબાણના કારણે ગંભીર હાલતમાં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હોવાના વિડીયો છાસ વારે વાયરલ થઈ રહ્યા છે. પાલિકા તંત્ર કે પોલીસ આ જગ્યાએ દબાણ દુર કરવાનો દેખાડો કરે છે તેના કારણે દબાણ કાયમી ધોરણે દૂર થતા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડે છે. આ ઉપરાંત હાલમાં સૌથી મોટી સમસ્યા આ વિસ્તારમાં ચાલતી 100 વર્ષ જૂની હોસ્પિટલને પડી રહી છે. 

સુરતમાં 100 વર્ષ જૂની હોસ્પિટલ માંદી પડી : ગેરકાયદે દબાણના લીધે દર્દીઓ તોડે છે દમ 2 - image

ચૌટા બજાર બાલાજી રોડ વિસ્તારમાં 100 વર્ષ કરતાં વધુ જૂની શેઠ પી.ટી.સુરત જનરલ હોસ્પિટલ આવી છે. આ હોસ્પિટલ રાહતદરે સારવાર આપતી હોય માત્ર કોટ વિસ્તાર જ નહીં પરંતુ અન્ય વિસ્તારમાંથી પણ દર્દીઓ સારવાર લેવા માટે અહી આવે છે. પરંતુ હોસ્પિટલના બે બાજુના એપ્રોચ રોડ ઉપર, ફેરિયાઓ દ્વારા અને દુકાનદારો દ્વારા ગેરકાયદેસર એન્કોચમેન્ટ થાય છે. રસ્તા ઉપર બંને બાજુ ઉપર 8-8 ફૂટના સ્ટોલ મૂકી દુકાનદારો રસ્તો બ્લોક કરી દે છે.

આ ગેરકાયદે દબાણના કારણે ગંભીર હાલતમાં દર્દીને લઈને આવતી એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકતી નથી. આવી સ્થિતિના કારણે અનેક દર્દીઓના મોત થયાનો આક્ષેપ સાથેની રજૂઆત હોસ્પિટલ દ્વારા મ્યુનિ. કમિશનરને ફરી એકવાર કરવામાં આવી છે. શું ધંધાદારીઓના હિત કરતા લોકોની જિંદગીનું મૂલ્ય ઓછું છે. તેવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે. 

હોસ્પિટલે એક પત્ર લખીને પાલિકા તંત્રને જણાવ્યું છે કે, અનધિકૃત અધિક્રમણને કારણે જો ગંભીર ઘટના ઘટે અને દર્દી કે આગ જેવા બનાવોમાં જનતાની જાનહાનિ થશે તો, તેની જવાબદારી, કાયદાનું પાલન ન કરી શકનાર કે કાયદાની અવજ્ઞા કરનાર, તંત્રની રહેશે. જો રાજકોટ જેવી દુર્ઘટના થાય તો આ દબાણને કારણે મોટી જાનહાનિ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. તંત્ર દ્વારા કાયદાનું પાલન ન કરાવાતું હોવાના કારણે 100 વર્ષ જૂની ટ્રસ્ટની હોસ્પિટલ બંધ થવાના આરે છે. જો આ હોસ્પિટલ બંધ થઈ જાય તો હોસ્પિટલમાં ફરજ બજાવતા 100 થી વધુ કર્મચારીઓના પરિવાર પણ બેસહારા બની શકે છે. 

આ ઉપરાંત પત્રમાં ગંભીર રીતે લખાયું છે કે, આ ગેરકાયદે દબાણ દુર કરવા માટે અમે વર્ષોથી અરજી કરતા આવ્યા છે પણ કોઈ પરિણામ નીપજ્યું નથી જેનું દુઃખ છે. કાયદાની જવાબદારી પ્રતિ ધ્યાન ખેંચવાનો એક વધુ પ્રયત્ન કરી અરજી કરવામાં આવી છે. શહેરની 100 વર્ષ જૂની હોસ્પિટલ દબાણના કારણે માંદી પડી છે તેને સાજી કરવા માટે દબાણ દુર કરવા માટે વારંવાર અરજી કરવામાં આવે છે પરંતુ પાલિકા કે પોલીસ તંત્ર આ દબાણ કાયમી ધોરણે હટાવી શકતું ન હોવાથી મોટી જાનહાની થાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.


Google NewsGoogle News