મહેમદાવાદના રુદણમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા 2 બૂકીઓ ઝડપાયા
- ગોધરાના જાફરાબાદના શખ્સોએ ભાડે મકાન રાખ્યું હતું
- 25 હજારથી વધુ રોકડ, લેપટોપ, બે ટેબલેટ અને 5 મોબાઈલ સહિત રૂા. 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેમદાવાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રુદણ ગામની સીમમાં પોલટ્રી ફાર્મ પાછળ આવેલા મકાનમાં હાલમાં ચાલતી સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે.
જેથી પોલીસે રેડ પાડતા મકાનમાં લેપટોપ તેમજ ટેબલેટ ઉપર લાઈવ મેચ જોઈ મોબાઈલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા ધવલ જીતેન્દ્રભાઈ લાલવાણી તેમજ હેમંત ઉર્ફે ટીનો જયેન્દ્ર સોની (બંને રહે. જાફરાબાદ ગોધરા)ના હોવાનું જણાવ્યું હતું. મકાન જાફરાબાદના એજાજ મહંમદ પરવેજ શેખનું ભાડાનું તેમજ હિતેશ ઉર્ફે કાલુ સોનુ કલવાણી (રહે. જાફરાબાદ ગોધરા)ના કહેવાથી સટ્ટો લેતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ ઉપરથી લેપટોપ કિંમત રૂ.૩૦,૦૦૦, બે ટેબલેટ કિંમત રૂ.૨૦,૦૦૦, રોકડ રૂ.૨૫,૦૯૦, પાંચ મોબાઈલ કિંમત રૂ.૫૦,૦૦૦ ના મળી કુલ રૂ.૧,૨૫,૦૯૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ધવલ જીતેન્દ્રભાઈ લાલવાણી, હેમંત ઉર્ફે ટીનો સોની, એજાજ શેખ તેમજ હિતેશ કલવાણી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.