જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પહેલા માળેથી દર્દીની છલાંગ : સદભાગ્યે જીવ બચ્યો
Jamnagar G G Hospital : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રથમ માળેથી એક દર્દીએ પડતું મૂકી દેતાં ભારે દોડધામ થઈ હતી. જેને અસંખ્ય ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે, અને તેનો જીવ બચ્યો છે. અને ફરીથી ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોતાના ગામમાં માથાકૂટ થઈ હોવાનું અને હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનો સંદેશો મળતાં પોતે છલાંગ લગાવવાની કબુલાત આપી હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા મગનભાઈ મકવાણા નામના 39 વર્ષના યુવાનને બીમારી સબબ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કેસ બારીના ઉપરના રૂમમાં દાખલ કરાયા બાદ આજે સવારે તેણે બારીમાંથી છલાંગ લગાવી દઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે દોડધામ થઈ છે.
ઉપરના માળેથી નીચે પડેલી બે ખુરશીઓ પર પોતે પડ્યો હોય તેના શરીરમાં અનેક ફ્રેક્ચરો થયા છે, જ્યારે બંને ખુરશીના ભુકા ભૂલી ગયા હતા. જેને ફરીથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન મોટા થાવરીયા ગામમાં માથાકૂટ થયો હોવાનો અને તેના પરિવારજનો પર હુમલો થવાની તેમજ હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનું કહ્યું હોવાથી પોતે પણ જીવવા માંગતો ન હોવાથી આ છલાંગ લગાવી દેવાની કબુલાત આપી હતી. જેથી તબીબો વગેરે પણ આશ્ચર્યમાં મુકાયા હતા. સમગ્ર મામલામાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.