હાર્દિક પટેલ છોડી શકે છે કોંગ્રેસ : આપી દીધો આ છેલ્લો સંકેત
અમદાવાદ,તા. 2 મે 2022,સોમવાર
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. હાર્દિક પટેલ છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસના મોવડી મંડળથી નારાજ હોવાનું જણાઈ રહ્યું હતુ અને જાહેરમાં પણ તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો. જોકે આજે મળેલ સંકેત હાર્દિકની કોંગ્રેસમાંથી અંતિમ વિદાયના મજબૂત સંકેત આપી રહ્યાં છે.
હાર્દિક પટેલે પોતાના બાયોમાં કોંગ્રેસનું નામ હટાવી દીધું છે. હાર્દિકના પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતીથિમાં ભાજપના નેતાઓ સાથેની બેઠક, નરેન્દ્ર મોદીના અને ભાજપના હિંદુત્વના વખાણ બાદ હવે ટ્વિટર હેન્ડલ પરથી કોંગ્રેસનું જ નામોનિશન કાઢી નાખવાની સાથે ટ્વિટર હેન્ડલના બાયોમાંથી કોંગ્રેસમાં મળેલ પદોનું વર્ણન પણ દૂર થતા હવે આ હાર્દિકના કોંગ્રેસને અંતિમ રામ-રામ જલ્દી જ થઈ શકે છે તેવો રાજકીત પંડિતોનો મંતવ્ય છે.
હાર્દિક હાલ કોંગ્રેસના ગુજરાતના 4 કાર્યકારી અધ્યક્ષોમાંથી એક છે અને તેમણે જ જીજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ હાર્દિકે તેના વ્હોટ્સએપમાંથી પણ કોંગ્રેસનું સિમ્બોલવાળું ડીપી હટાવ્યું હતુ.
જોકે રસપ્રદ વાત એ છે કે એક સપ્તાહ પહેલાંની કોંગ્રેસ છોડવાની હાર્દિકની અટકળો અને જાહેરમાં નિવેદનો આપ્યા બાદ તેમણે કહ્યું હતુ કે મારી ફરિયાદો કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે છે અને આશા છે કે તેઓ ત્વરિત મારી સમસ્યાઓને વાચા આપે અને નીવેડો લાવે.