એક બાજુ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, બીજી બાજુ કફોડી દશા, 361 શાળામાં માત્ર 1 જ શિક્ષક
Tribal community: એક બાજુ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ, અનેક વિકાસલક્ષી યોજના અમલમાં હોવાં છતાંય આદિવાસીઓ અનેક સમસ્યાઓથી પીડિત છે. સરકાર ભલે વિકાસના દાવાઓ કરે પણ કડવી હકીકત એ છે કે, આદિવાસી વિસ્તારોમાં પરિસ્થિતી ઠેરની ઠેર રહી છે. શિક્ષણ, આરોગ્યની સુવિધા હોય કે પછી નોકરી-રોજગારીની વાત હોય, આદિવાસીઓ હજુય લાભથી દૂર રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
આદિવાસી પ્રભુત્વ ધરાવતાં વિસ્તારમાં વર્ગખંડોની ઘટ
આદિવાસી સમાજના વિકાસની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે ત્યારે વાસ્તવમાં ચિત્ર કંઈક ઊંધું છે. કડવી હકીકત એ છે કે, આદિવાસી પ્રભુત્વ ધરાવતાં 13 જિલ્લાઓમાં 9518 વર્ગખંડોની ઘટ છે. ત્રણ વર્ષમાં આદિવાસી વિસ્તારમાં માત્ર 169 ઓરડાઓ બની શક્યા છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, આદિવાસી વિસ્તારોમાં કેટલી ઝડપે વિકાસ થઈ રહ્યો છે.
361 જેટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, ભરુરૂચ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં તો વર્ગખંડની ઘટ છે છતાંય એકેય વર્ગ બનાવાયો નથી. આદિવાસી વિસ્તારમાં 361 જેટલી શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે. આ સ્થિતિમાં હજારો આદિવાસી બાળકો કેવું શિક્ષણ મેળવતાં હશે તે કલ્પના કરવી રહી.
આ પણ વાંચો: તરસાલી હાઇવે પરના રેસ્ટોરન્ટમાં રસોઇ બનાવતા સમયે કરંટ લાગતા મોત
આદિવાસી વિસ્તારમાં આંગણવાડીની હાલત પણ કફોડી
આદિવાસી વિસ્તારમાં 2292 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે એટલે કે, વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે ભૂલકાંઓને બેસવા માટે મકાન પણ ઉપલબ્ધ નથી. તે વરવી વાસ્તવિકતા છે. અંબાજીથી ઉમરગામ વિસ્તારની આદિવાસી વિદ્યાર્થીનીઓની હજારો સાઇકલો પણ ધૂળ ખાઈ રહી છે.
શ્રમિકોને ઓછું વેતન ચૂકવવામાં આવે છે
આ ઉપરાંત એક વર્ષ વિત્યું હોવા છતાં પણ આદિવાસી વિસ્તારમાં સ્વરોજગારી માટેની કીટનું વિતરણ સુદ્ધાં કરાયું નથી. આદિવાસી વિસ્તારમાં કુલ મળીને 2,67,724 બાળકો કુપોષિત છે જે ચિંતાજનક વાત છે. 100 દિવસ રોજગારીની-ગેરંટીની મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે - મનરેગામાં આદિવાસી વિસ્તારમાં 24થી 34 દિવસની રોજગારી આપવામાં આવે છે. એટલું જ નહીં, શ્રમિકોને ઓછું વેતન ચૂકવવામાં આવે છે.
બેરોજગારીના કારણે સ્થળાંતર
બેરોજગારીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે જેનાથી આદિવાસી વિસ્તારમાંથી સૌથી વધુ સ્થળાંતર થઈ રહ્યા છે. અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના વિકાસના નામે વિવિધ યોજનાના માધ્યમથી ગેરરીતિ આચરી મળતિયા કોન્ટ્રાકટરો લાભો ચાઉં કરી રહ્યા છે છતાં સરકાર આદિવાસી સમાજના વિકાસના નામે જાહેરાતો કરી રહી છે.
આ પણ વાંચો: સહનશક્તિ એ લગ્નજીવનનો પાયો પણ પત્નીના પરિજનો રાઈને પહાડ બનાવે છે: ગુજરાત હાઈકોર્ટ
પાંચ વર્ષમાં નેશનલ ઓવરસીસ સ્કૉલરશિપ ફોર ટ્રાયબલ સ્ટુડન્ટ હેઠળ એક જ વિદ્યાથીની પસંદગી થઈ
આદિવાસી વિદ્યાર્થીઓઓના શિક્ષણ-ઉત્થાનની માત્ર વાતો કાગળ ઉપર છે જ્યારે હકીકતમાં મીંડું છે. કેન્દ્ર સરકારની નેશનલ ઓવરસીસ સ્કૉલરશિપ ફોર ટ્રાયબલ સ્ટુડન્ટ્સ યોજના હેઠળ વર્ષે માત્ર 20 સીટ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષમાં એક જ આદિવાસી વિદ્યાથીની પસંદગી થઈ છે. લાખો વિદ્યાથીઓ વિદેશ અભ્યાસ માટે જતા હોય ત્યારે દેશમાં માત્ર 20 આદિવાસી વિદ્યાથીઓને જ સ્કૉલરશિપનો લાભ મળે છે તે દુઃખદ છે. આદિવાસી વિસ્તારના લાખો વિદ્યાથીઓ સ્કૉલરશિપ જેવા લાભથી વંચિત રહે તે કેટલા અંશે યોગ્ય છે ?
પ્રિમેટ્રિક સ્કૉલરશિપનું ફંડ વધ્યું પણ આદિવાસી લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ
છેલ્લા 5 વર્ષમાં આદિવાસી વિદ્યાથીઓને પ્રિમેટ્રિક અને પોસ્ટમેટ્રિક વિદ્યાથીઓને અપાતી સ્કૉલરશિપની ગ્રાન્ટમાં - સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે લાભાર્થીઓમાં ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિદ્યાથીઓની સંખ્યામાં ઘટાડો થયો છે તે ચિંતા ઉપજાવે તેમ છે.
કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, વર્ષ 2019-2020માં ગુજરાતમાં પ્રિમેટ્રિક સ્કૉલરશિપના લાભાર્થી 1,80,994 હતા તે વર્ષ 2023-2024માં ઘટી 90,755 થઈ ગયા છે.
આ ઉપરાંત વર્ષ 2019-2020માં પોસ્ટમેટ્રિકમાં સ્કૉલરશિપ મેળવતાં વિદ્યાથીઓની સંખ્યા 2,12,454 હતી. જે વર્ષ 2023-2024માં ઘટીને 1,60,555 થઈ ગઈ.
આ પણ વાંચો: ડિઝાઈનર રાખડીઓના ભાવમાં 10 થી 15 ટકા વધારો છતા ધૂમ ખરીદી
ગુજરાતમાં આદિવાસી વિદ્યાથીઓને પ્રિમેટ્રિક સ્કૉલરશિપ માટે વર્ષ 2019-2020માં રૂ. 3391.34 લાખનું ફંડ આપવામાં આવ્યું હતું. જ્યારે 2023-2024માં રૂ. 5770.95 લાખનું ફંડ આપવામાં આવ્યું હતું.
પોસ્ટ- મેટ્રિક સ્કૉલરશિપ માટે વર્ષ 2019-2020માં રૂ. 22883.89 લાખનું ફંડ આપવામાં આવ્યું જ્યારે વર્ષ 2023-2024માં રૂ. 29051.45 લાખનું ફંડ આપવા આવ્યું છે. આમ, ફંડ વધારવામાં આવ્યું છતાંય આદિવાસી લાભાર્થીઓ ઘટતા જાય છે, આ કેવી આદિવાસીઓની વિકાસલક્ષી યોજના છે!