પાટડીની સરકારી મોડેલ હાઈસ્કૂલ માત્ર 10 વર્ષમાં જ બિસ્માર
- વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવનું જોખમ
- હાઈસ્કૂલના અમૂક ભાગમાં પ્લાસ્ટર તૂટયું, ક્યાંક લટકતાં સળિયાં : દુર્ઘટના પહેલા વહેલી તકે રિપેરિંગ કરાવવા માંગણી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે આવેલી સરકારી મોડેલ હાઈસ્કૂલ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની જતા અહિં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે વહેલી તકે મોડલ હાઈસ્કૂલનું રિપેરિંગ કરાયે લેવી માંગણી ઉઠી છે.
પાટડી ખાતે આવેલ સરકારી મોડેલ હાઈસ્કુલનું નિર્માણ વર્ષ ૨૦૧૪માં કરવામાં આવ્યું હતું પરંતુ માત્ર ૧૦ વર્ષ જેટલા ટુંકાગાળામાં હાલ આ મોડેલ હાઈસ્કુલ બિસ્માર બની ગઈ છે. અહિં ધોરણ-૬ થી ૧૨માં મોટીસંખ્યામાં પાટડી સહિત આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે આવે છે પરંતુ મોડેલ હાઈસ્કુલ અત્યંત બિસ્માર અને જર્જરીત બની ગઈ છે જેમાં અમુક જગ્યાએથી પ્લાસ્ટર તુટી ગયું છે. તો અમુક જગ્યાએ સળીયા લટકતા જોવા મળી રહ્યાં છે. મોડેલ હાઈસ્કૂલનું બાંધકામ ખુબ જ હલકી ગુણવત્તાનું અને તે સમયે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ હાઈસ્કૂલની હાલત જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જ્યારે તંત્ર દ્વારા હાઈસ્કૂલનું બિલ્ડીંગ જર્જરીત નજરે ન પડે તે માટે આગળથી રંગરોગાન કરી ચમકાવી દેવામાં આવ્યું છે પરંતુ, પાછળના ભાગે હાઈસ્કુલનું બિલ્ડીંગ ખુબ જ જર્જરીત બની ગયું છે. આ બિસ્માર હાઈસ્કુલને કારણે કોઈ જાનહાની કે દુર્ધટના થશે તો કોણ જવાબદાર સહિતના ચર્ચાઓએ જોર પકડયું છે. આથી કોઈ મોટી દુર્ધટના સર્જાય તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા મોડેલ હાઈસ્કુલનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.