નડિયાદમાં દાંડી માર્ગ ઉપર પેચવર્ક કરાતા રસ્તો બિસ્માર બન્યો
- માર્ગ અને મકાન વિભાગે રિસર્ફેસિંગ કરવાના બદલે
- ડભાણથી શરૂ થઈ અને ઉતરસંડા થઈ આણંદ તરફ જતો માર્ગ દાંડી માર્ગ જાહેર કરાયો છે
નડિયાદ : નાગરિકોને સુવિધા આપવાના પ્રયાસના ભાગરુપે નડિયાદમાં દાંડી માર્ગ ઉપર પેચવર્ક કરવામાં આવતા પહેલા કરતા પણ રસ્તો ઉખડ ખાબડ જણાય છે. જેના કારણે હવે દાંડીમાર્ગ પર પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી સર્જાઇ છે.
મળતી માહિતી મુજબ નડિયાદમાં માર્ગ અને મકાન (રાષ્ટ્રીય) અંતર્ગત ડભાણથી શરૂ થઈ અને ઉતરસંડા થઈ આણંદ તરફ જતો માર્ગ દાંડી માર્ગ જાહેર કરાયો છે. હજારો લોકોની આવન-જાવનવાળા આ રોડ પર ખાડા પડી ગયા હતા, જેના કારણે રોડની સપાટીને રીસર્ફેસ કરવાની જરૂર ઉભી થઈ હતી.
પરંતુ તંત્ર દ્વારા આ દાંડીમાર્ગ પર રીસર્ફેસીંગ કરવાના બદલે માત્ર પેચવર્ક કરીને ખાડાઓ પર ડામર પાથરવામાં આવતા રોડ થીંગડાવાળો બની ગયો છે. આથી સ્થાનિક તંત્રની રોડ પેચવર્ક કરવાની કામગીરીને લઇને જાગૃતજનોમાં સવાલો ઉઠવા લાગ્યા હતા.