Get The App

પતંગના પેચ લગાવા મોંઘા પડશે : પતંગ અને દોરીમાં 10 થી 20 ટકાનો ભાવ વધારો

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
પતંગના પેચ લગાવા મોંઘા પડશે : પતંગ અને દોરીમાં 10 થી 20 ટકાનો ભાવ વધારો 1 - image


- ઝાલાવાડમાં પતંગ અને દોરીની ખરીદીમાં ગત વર્ષ કરતા ઓછી ભીડ રહેતા વેપારીઓમાં ચિંતાનો માહોલ

- હાઈકોર્ટે કાચ પાયેલી દોરી પર છેલ્લી ઘડીએ પ્રતિબંધ ફરમાવતા વેપારીઓની હાલત કફોડી : છેલ્લી ઘડીએ ઘરાકી નિકળવાની વેપારીઓને આશા

સુરેન્દ્રનગર : ઉતરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચાલુ વર્ષે ઉતરાયણના તહેવાર પર પતંગ અને દોરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેના કારણે એકંદરે હાલ બજારમાં પતંગ અને દોરીની ખરીદીમાં ઓછી ભીડ જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા કાચ પાયેલી દોરી પર અંતિમ દિવસોમાં પ્રતિબંધ મુકવામાં આવતા હોલસેલ તેમજ રીટેલ વેપારીઓને મોટાપાયે નુકશાન જવાની ભીતી પણ સેવાઈ રહી છે.

ઉતરાયણ એટલે નાના ભુલકાઓથી લઈ મોટેરાઓ અને યુવકોનો મનપસંદ તહેવાર. ત્યારે ચાલુ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ અંદાજે ૧૦થી ૨૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. જેના કારણે બજારમાં હાલ જોઈએ તેવી ધરાકી રહેતી નથી આથી વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. જે મામલે પતંગ અને દોરીનું વર્ષોથી હોલસેલ વેપાર કરતા વેપારી ફારૂકભાઈ મેમણ અને તુષારભાઈ શાસ્ત્રીના જણાવ્યા મુજબ પતંગ બનાવવાની મજુરીકામમાં તેમજ કોટન દોરાના ભાવમાં વધારો આવવાથી ચાલુ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં વધારો નોંધાયો છે તેમ છતાંય ધીરે ધીરે ધરાકી વધી રહી છે અને અંતિમ દિવસોમાં સારી ધરાકી રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 

ચાલુ વર્ષે વડાપ્રધાન મોદી, હેપી ન્યુ યર-૨૦૨૫,  અયોધ્યા રામ મંદિર, બુલેટ ટ્રેન જેવા પતંગોનું વેચાણ થઇ રહ્યું છે. જ્યારે ભુલકાઓમાં સ્પાઈડરમેન, હનુમાન, ડોરેમોન, બેનટેન, છોટા ભીમ, બાર્બી, મોટુપતલુ જેવા પતંગોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જ્યારે દોરીમાં પણ બરેલી, સુરતી માંજો સહિતની દોરીઓ અલગ-અલગ બ્રાન્ડની બજારમાં વેચાણમાં જોવા મળી રહી છે. ચાલું વર્ષે બજારમાં પતંગનાં એક પંજાના ભાવ રૂા.૧૦થી રૂા.૮૦ સુધીમાં વેચાઈ રહ્યાં છે જ્યારે તૈયાર દોરીમાં ૧૦૦૦ વારની ફિરકી રૂા.૧૦૦થી લઈ રૂા.૫૦૦ સુધીમાં વેચાણ થઈ રહ્યું છે જ્યારે ૨૫૦૦ વારની ફિરકી રૂા.૫૦૦થી લઈ રૂા.૧૨૦૦ સુધીની રેન્જમાં વેચાઈ રહી છે. આમ પતંગ તેમજ દોરીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ૧૦થી ૨૦ ટકાનો વધારો નોંધાતા ઝાલાવાડવાસીઓને ઉતરાયણ મોંધી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં જિલ્લામાંથી છાના ખુણે ફિરકીઓ સાથે શખ્સો છેલ્લા ૮-૧૦ દિવસથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતા પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી  છે. મોંધવારી, ભાવ વધારો અને હાઈકોર્ટની નવી ગાઈડ લાઈનને કારણે પતંગ અને દોરીનું વેચાણ કરતા વેપારીઓમાં ધરાકીને ધ્યાને લઈ ચિંતા જોવા મળી રહી છે. અને ધરાકી નહીંં રહે તો નુકસાની જવાની પણ ભીતી સેવાઈ રહી છે.

કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ ફરમાવતા વેપારીઓમાં કચવાટ

ઝાલાવાડમાં ઉતરાયણના પર્વ પર લાખોની કિંમતના પતંગ અને દોરીનું વેચાણ થાય છે જેને ધ્યાને લઈ જિલ્લાના પતંગ અને દોરીના વેપારીઓએ અગાઉથી સ્ટોક કરી લીધો હતો. તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ બાદ હવે નાયલોન દોરી તેમજ કાચ પાયેલી દોરી પણ અંતિમ દિવસોમાં પ્રતિબંધ ફરમાવતા વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે અને લાખોની કિંમતનો માલ સંગ્રહ કરી રાખ્યો છે પરંતુ સરકારની નવી ગાઈડ લાઈનના કારણે મોટાપાયે વેપારીઓને નુકશાની જવાની ભીતી સેવાઈ રહી છે.



Google NewsGoogle News