વડોદરા શહેરની પેરીફરીમાં માર્ગો પર પડેલા ખાડાઓનું પેચ વર્ક કામ એક સપ્તાહમાં પૂર્ણ થશે
Vadodara Road Work : વડોદરા શહેર જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને લીધે માર્ગોને સારું એવું નુકસાન થયું હતું. વડોદરા શહેરમાં ચાર દિવસ સુધી પૂરના પાણી ભરાયેલા રહેતા માર્ગ ઉપર નાના મોટા ખાડા પડી ગયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 7,000 થી વધુ નાના મોટા ખાડાનું પુરાણ કરી પેચ વર્ક કરાયું છે. જ્યારે શહેરની પેરીફરીમાં માર્ગ અને મકાન વિભાગ શહેરની કચેરી હસ્તકના માર્ગોને રીપેર કરવા માટે પેચવર્કની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ કામગીરી આગામી એક સપ્તાહ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે.
કાર્યપાલક ઇજનેરએ જણાવ્યું કે વડોદરા શહેરની પેરીફરીમાં માર્ગો ઉપર પડેલા ખાડા પૂરવા માટે હોટ મિક્સ મટીરીયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ વરસાદ નથી અને ઉઘાડ છે. ખુલ્લા વાતાવરણને લીધે કામગીરી ઝડપભેર થઈ રહી છે અને એક સપ્તાહમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ભારે વરસાદને લીધે 54 માર્ગોને નુકસાન થયું હતું. જેમાં રીપેરીંગ બાદ મોટાભાગના ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ વખતે ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં ચારે બાજુ ભારે વરસાદના લીધે સરકારી મિલકતોને જે નુકસાન થયું છે, તેમાં સૌથી વધુ નુકસાન રસ્તાઓને થયું છે, અને એક અંદાજ મુજબ 4,100 કિમી થી પણ વધુ રસ્તા પાણીમાં ધોવાયા છે.