ભૂતડી ઝાંપા બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી મુસાફરો પરેશાન
વડોદરા શહેરમાં ભૂતડી ઝાંપા ખાતે વર્ષો જૂનું એસટી બસ સ્ટેન્ડ છે. જેમાં જરૂરી સુવિધાઓનો અભાવ હોવાથી તે તાત્કાલિક પૂરી પાડવા એસટી નિગમ અને સરકારને રજૂઆત કરવામાં આવી છે. મુસાફરો વતી રજૂઆત કરતા જણાવાયું છે કે વડોદરામાં સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેન્ડ નું તમામ સુવિધાઓ સાથે આધુનિકી કરણ કરવામાં આવ્યું છે, પરંતુ ભૂતડી ઝાંપા બસ સ્ટેન્ડ ખાતે પ્રાથમિક સુવિધાઓ નો અભાવ છે. આ બસ સ્ટેન્ડ થી પાવાગઢ, હાલોલ, ગોધરા, પંચમહાલ, દાહોદ સુધી જવા સવારના પાંચથી મોડી રાત સુધી મુસાફરો ની આવજા રહેતી હોય છે. જેથી અહીં ટૂંકા અને લાંબા ગાળાનું સ્ટોપેજ છે.લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે બસ સ્ટેન્ડના પ્રવેશ પાસે પ્રાથમિક સુવિધાઓ સાથેનું સુલભ શૌચાલય બનાવવું જરૂરી છે. ડેપો ની ચારે બાજુ પ્રવેશદ્વાર તથા પ્લેટફોર્મના ભાગે સીસીટીવી મૂકવા આવશ્યક છે. અહીં શૌચાલયને ઘણી વખત લોક મારેલા હોવાથી લોકો ખુલ્લામાં લઘુ શંકા કરતા હોય છે. સાફ-સફાઈના વાંકે ગંદકી હોય છે. ડીડીટી પાવડર નો છંટકાવ કરવામાં આવતો નથી. શૌચાલયમાં ગંદકી હોય છે. બસ સ્ટેન્ડમાં મુસાફરો કરતા બહારના લુખા તત્વો વધુ જોવા મળતા હોય છે. જે લોકો મહિલા મુસાફરો હોવા છતાં ખુલ્લેઆમ ગાળા ગાળી કરતા જોવા મળે છે. પ્લેટફોર્મ પર રખડતા કુતરાઓ અને ભિખારીઓનો અને ઘણી વખત લથડીયા ખાતા લોકોનો ત્રાસ જોવા મળે છે. સરકારના જાહેરનામા છતાં ધુમ્રપાન, જાહેરમાં લઘુ શંકા, પાનની પિચકારીઓ મારવી વગેરેનો લોકોને કોઈ છોછ નથી. આ બધું રોકવા નિયમિત સુપરવિઝન કરી પોલીસ બંદોબસ્ત રાખી જાહેરનામાનો ભંગ કરનારને દંડિત કરવાની આવશ્યકતા છે.