વડોદરામાં જન મહેલ સીટી બસ હબમાં લાગેલા ટાઈમ ટેબલો નીચે ઉતરાવી લેવાતા મુસાફરો મુશ્કેલીમાં
- પાણી અને પાર્કિંગની મુશ્કેલીથી મુસાફરોને હેરાનગતિ
- મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત
વડોદરા, તા. 29 નવેમ્બર 2021 સોમવાર
વડોદરામાં રેલવે સ્ટેશન પાસે આવેલા જન મહેલ સીટી બસ હબમાં સિટી બસના રૂટ મુજબ ટાઈમટેબલ લગાવ્યા હતા, પરંતુ તાજેતરમાં એ ટાઈમ ટેબલ ઉતરાવી લીધા હોવાથી મુસાફરો અટવાઇ પડે છે, ટાઈમ ટેબલો હાલ ઓફિસમાં ઢગલો થઇ પડી રહ્યા છે.
સિટી બસના સંચાલક દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરને ટાઇમટેબલ નો મુદ્દો ધ્યાનમાં આવતા ટાઈમ ટેબલ લગાવવા સૂચના આપી હતી, પરંતુ પ્રોજેક્ટ મેનેજર એ તમામ ટાઈમ ટેબલ નીચે ઉતરાવી દીધા છે.
સિટી બસના મુસાફરો માટે જો સુવિધા આપી ન શકાતી હોય તો પછી શા કામની? તેઓ માટે ટાઈમ ટેબલ ન મૂકી શકાય? આ કયા પ્રકારનો કરાર છે? અહીં ડિજિટલ ટાઈમ ટેબલ માં ફક્ત રુટ ની વિગત દર્શાવાય છે, પરંતુ ટાઈમ દર્શાવાતો નથી. રૂટ નંબર 1 થી 32 સ્ક્રીન પર જોવા મળે છે પણ મુસાફરોને ફરી પોતાના રૂટ જોવા મિનિટો સુધી માથું ઉપર ઊંચું રાખીને સ્ક્રીન સામે રાહ જોતા રહેવું પડે છે, ત્યાં સુધીમાં તો દસ મિનિટ ની ફિક્વન્સી માં આવતી બસો પણ જતી રહે છે.બસ કયા ટાઇમે મળશે તેની માહિતી નહીં મળતા મુસાફરો પણ ઓછા થઈ ગયા છે.
આ ઉપરાંત પાર્કિંગ પે એન્ડ યુઝ હોવાથી મુસાફરોને પોસાય નહીં. સીટી બસ હબ ની એરપોર્ટ સાથે સરખામણી ન થાય. ઓવરહેડ ચાર્જ સિટી બસના મુસાફરોને પરવડતો નથી, માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરી છે. આ ઉપરાંત મુસાફરો માટે પીવાની પાણીની સુવિધા જાહેરમાં હોવી જોઇએ તે નથી.