પર્યૂષણ પર્વ : કલ્પસૂત્રમાં આજે ભગવાન મહાવીર જન્મનું વાંચન થશે
૧૪ સ્વપ્નો અને પારણાની બોલી બોલાશે, વડોદરાના ૩૭ જૈન સંઘોમાં સામૈયું, પધરામણી બાદ અષ્ટપ્રકારી પૂજા સાથે કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન શરૃ થયું
ગોત્રી જૈન સંઘમાં આંગીના દર્શન |
વડોદરા : ૩૭ જૈન સંઘોમાં પર્યૂષણ મહાપર્વની ઉજવણી થઇ રહી છે. આજથી કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન શરૃ થયુ હતું. જેમાં બીજા દિવસે રવિવારે ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન થશે ત્યારે ભગવાનના માતાને આવેલા ૧૪ સ્વપ્નો નોની અને પારણાની બોલી બોલાશે.
વડોદરાના અલકાપુરી જૈન સંઘ, સુભાનપુરા જૈન સંઘ, માંજલપુર જૈન સંઘ, વાઘોડિયા રોડ જૈન સંઘ અને કારેલીબાગ જૈન સંઘ સહિત તમામ જૈન સંઘોમાં આજે સવારે કલ્પસૂત્ર ગ્રંથનું સામૈયુ કરાયુ હતુ અને જે બાદ ગ્રંથની પધરામણી વખતે અષ્ટપ્રકારી પૂજા કરાઇ હતી અને જે તે જૈન સંઘમા બિરાજમાન આચાર્ય, મુનિ ભગવંતોને કલ્પસૂત્ર ગ્રંથ વોહરાવવામાં આવ્યો હતો. ત્યાર પછી આચાર્ય ભગવંતોએ કલ્પસૂત્ર ગ્રંથના વાંચનનો પ્રારંભ કર્યો હતો. આજથી ચાર દિવસ સુધી તમામ જૈન સંઘોમાં રોજ સવાર અને સાંજ એમ બે વખત કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન થશે.
કારેલીબાગ જૈન સંઘમાં પૂ.આચાર્ય રાજહંસ સૂરીશ્વરજી મહારાજ અને સુભાનપુરા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જિનાજ્ઞાા આરાધક સંઘમાં પૂ.પંન્યાસ વિરાગદર્શન વિજયજી મહારાજ કલ્પસુત્રનું વાંચન કરી રહ્યા છે. આજે પ્રથમ દિવસે ભગવાન મહાવીર સ્વામીના ૨૭ જન્મોનું વાંચન થશુ હતુ તથા જૈન ધર્મમાં સાધુ-સાધ્વીજીઓએ ક્યા પ્રકારના નિયમોનું પાલન કરવુ તેની વ્યાખ્યા પણ કરવામાં આવી હતી.