વલસાડના ઉદવાડામાં પારસી સાંસ્કૃતિક-વિરાસતનો અનોખો ઉત્સવ: દેશ વિદેશથી ઉમટ્યા પારસીઓ
Iranshah Udwada Festival : વલસાડના ઉદવાડામાં પારસી સાંસ્કૃતિક-વિરાસતના અનોખા ઉત્સવની ઉજવણી ચાલી રહી છે. 29 ડિસેમ્બર સુધી યોજાનારા 'ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ'નો ગઈ કાલે શુક્રવારે પ્રારંભ કરવામાં આવ્યો. પારસી સમુદાયના વિશ્વના મુખ્ય પવિત્ર સ્થાન ગણાતા ઉદવાડામાં યોજાયેલા ઉત્સવના પહેલા દિવસે વડાદસ્તુર ખુરશેદજી સહિતના પારસી સમુદાયના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. પારસી સંસ્કૃતિને ટકાવી રાખવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ-વિદેશના પારસીઓ ઉમટ્યા છે.
'ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ'ની ઉજવણી
ઈરાનશાહ ઉત્સવ પારસી સમાજની સાંસ્કૃતિક વિરાસતની સાથે-સાથે સંપ, સદભાવ અને બંધુતાના ઉચ્ચતમ માનવીય સદ્ગુણોને ઉજાગર કરતો ઉત્સવ છે. જે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી શરુ કરાયો હતો અને દર બે વર્ષે ઉજવાય છે, ત્યારે પારસીઓના તીર્થસ્થળ ઉદવાડામાં ગઈ કાલે શુક્રવારે (27 ડિસેમ્બર) પારસી સમુદાયના શાપુર પલોનજી, ઉદવાડા ગામના વડાદસ્તુર ખુરશેદજી સહિતના પારસી આગેવાનોએ દિપ પ્રાગટ્ય કરીને ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં અગ્રણી શાપુરજી પલોનજીનું સન્માન કરાયું હતું. ઉદવાડા ગામના વડાદસ્તુર ખુરશેદજીએ ગામને એમ્બ્યુલન્સની ભેટ આપી હતી.
આ પણ વાંચો: લાલબત્તી સમાન કિસ્સો, મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં વિસ્ફોટ, બાળકે ગુમાવી આંખ
આ ત્રિ-દિવસીય ઉત્સવમાં હેરિટેજ વોક, ફોટો ગેલરી, સ્ટ્રીટ આર્ટ, ટ્રેઝર હંટ ર્સ્પધા, એન્ટિક ઘડીયાળ જેવી વસ્તુઓનું નિદર્શન-વેચાણ, પારસી સમાજની સ્વાદિષ્ટ વાનગી અને કલા સંસ્કૃતિનું પ્રદર્શન મેળો વગેરેનું આયોજન કરાયું છે. જેના માટે ત્રણ ડ્રોમ તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના પારસી સમાજના લોકો ઉપસ્થિત રહીને ઉત્સવનો આનંદ માણશે.