રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, અનેક ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધીના લાગ્યા પોસ્ટરો
Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનને લઈને રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. રૂપાલા દ્વારા બે વખત માફી માગવામાં આવી છે. પરંતુ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે અને તેઓ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. રાજકોટ સહિત અનેક શહેરોમાં રૂપાલા હટાવો, રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગને લઈને પોસ્ટરો લાગ્યા છે.
રૂપાલા સામે પોસ્ટર વોર
રાજકોટ જિલ્લાના વડાળી, વાવડી, રમતપર ગામમાં રૂપાલા અને ભાજપને પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે. આ ઉપરાંત વાંકાનેરના અગાભી પીપળીયા ગામમાં પણ આવા પોસ્ટર વાયરલ થયા છે. જામનગરના ધ્રોલના મોટા વાગુદડ ગામમાં રાજપૂત સમાજ દ્વારા ભાજપના નેતા અને આગેવાનો માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતા કે આગેવાનોએ ગામમાં પ્રચાર માટે પ્રવેશ ન કરવા જણાવવામાં આવ્યું છે.
સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજને કરી વિનંતી
ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગરમાં સી.આર પાટીલના નિવાસસ્થાને મહત્તવની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રૂપાલાના વિવાદને લઈને સી.આર. પાટીલે હાથ જોડીને ક્ષત્રિય સમાજને માફી આપવા વિનંતી કરી હતી. સી.આર. પાટીલે કહ્યું કે, 'રૂપાલાએ માફી માગી છતા રોષ યથાવત છે. હું પણ વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફી આપે. રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી.'
શું હતો સમગ્ર વિવાદ?
રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.