ક્ષત્રિયોના અલ્ટિમેટમ બાદ પણ રૂપાલા મક્કમ: જનસભા અને રોડ-શો બાદ ભરશે ઉમેદવારી પત્રક
Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે 16મી એપ્રિલે ઉમેદવારી પત્રક ભરવાના છે જેને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પહેલા જનસભા યોજાશે પછી રોડ શો કરવામાં આવશે. આટલું જ નહીં વિજય રૂપાણી, વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે.
રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટીમેટમ
ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ગઈકાલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા હતા. જેમાં વક્તાઓએ એક સૂરમાં ભાજપને લલકાર કરીને તા.19 સુધીમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
રૂપાલા સામે ધાનાણી ચૂંટણી લડશે
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. જે પોતાની કવિતાઓ દ્વારા ભાજપ અને રૂપાલા પર કટાક્ષ કરી રહ્યા છે. તેમણે ક્ષત્રિયોના મહાસંમેલનનો વીડિયો 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'હે ભાજપના ભીષ્મપિતામહ હવે તમારો અહંકાર ઓગાળવો છે કે પછી મને દિલ્હી દેખાડવું છે, 16 તારીખ સુધીમાં અહંકાર નહીં ઓગળે તો બપોરના ચાર વાગે કુળદેવીના દ્વારે શીશ ઝૂકાવીને સ્વાભિમાનના યુદ્ધનો શંખનાદ કરીશું.'