'મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો', પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
'મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો', પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે.

કોઈની લાગણી દુભાતી હોય તો દિલથી માફી માંગું છું : પરશોત્તમ રૂપાલા

વાયરલ વીડિયો અંગે પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, 'ગઈકાલે મેં વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે. મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો, તેમ છતાં મારા વીડિયો થકી કોઈની લાગણી દુભાતી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગું છું. આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.'

રાજપૂતો એ દેશ માટે શું કર્યું છે તેની તમને ખબર હોવી જોઈએ : કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત

પરશોત્તમ રૂપાલાના નિવેદન અંગે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, 'મતો મેળવવા માટે શું બોલવું અને શું ન બોલવું તેનું પરશોત્તમભાઈને ભાન રહ્યું નથી. રાજપૂતો એ દેશ માટે શું કર્યું છે તેની તમને ખબર હોવી જોઈએ. રાજપૂતોએ બલિદાન ન આપ્યું હોત તો તમે ખેડૂત પણ ન હોત. તેથી મારી માંગ છે કે પરશોત્તમ રૂપાલા મીડિયા સમક્ષ જાહેરમાં માફી માંગે. જો તેઓએ માફી નહીં માંગે તો ક્ષત્રિય સમાજ તેમની સામે આંદોલન કરશે.'

પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું?

રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, 'અંગ્રેજોએ દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેઓની તલવાર આગળ પર નહોતા ઝૂક્યા.'


Google NewsGoogle News