રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો, આગેવાનોએ કહ્યું- ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે
Lok Sabha Elections 2024: રાજકોટ બેઠકથી ભાજપે લોકપ્રિય નેતા પરશોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. રૂપાલાની ઉમેદવારી પર અહીં ક્ષત્રિય સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે. તેની પાછળ રૂપાલાનું એક નિવેદન જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. હવે આ મામલે કરણી સેના ગુજરાતના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,'પરશોત્તમ રૂપાલા જાહેરસભામાં બોલ્યા છે, તેનો હું વિરોધ કરૂ છું. અમારે પક્ષ સાથે વિરોધ નથી, માત્ર પરશોત્તમ રૂપાલા સામે વિરોધ છે. ભાજપને સમાજ કરતા રૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહે.'
ક્ષત્રિય સમાજની મહાબેઠક
આજે અમદાવાદમાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક મળી છે. આજની બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા છે. રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં રૂપાલાનો વિરોધ કરી ભાજપને ઉમેદવાર બદલવા જણાવ્યું છે. સમાજના 17 ટકા મતદારો છે. જેથી રાજકોટ બેઠક પર રૂપાલા લડે તો તેમની વિરુદ્ધમાં મતદાન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
સમાજની એક જ માગ છે,રૂપાલાની ટિકિટ રદ કરે: વાસુદેવસિંહ ગોહિલ
ગોહિલ સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 'પુરૂશોત્તમ રૂપાલાએ વોટ બેંક માટે અન્ય સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજ પર ટિપ્પણી કરી હતી.આગામી સમયમાં પૂતળા દહન પણ કરીશું. તેમણે માફી માગી છે પરંતુ સમાધાન માન્ય નથી. સમાજની એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. અમને ભાજપ સામે કોઈ વાંધો નથી, અમને ફક્ત પુરૂષોતમ રૂપાલા સામે વાંધો છે. રૂપાલા જ રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડશે તો ક્ષત્રિય સમાજ તેમની તાકાત બતાવશે. સમાજના 17 ટકા મતદારો છે. પરિણામ બદલવાની તાકાત અમારા સમાજમાં છે.'
ચૂંટણી અધિકારીને તપાસના આદેશ આપ્યા
રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ આપ્યો છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો અને તેનો એક વીડિયો ફરતો થયો હતો. જે પછી રૂપાલાએ સમય પારખીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી.
શું હતો સમગ્ર વિવાદ?
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી.
કોઈની લાગણી દુભાતી હોય તો દિલથી માફી માંગું છું: પરશોત્તમ રૂપાલા
વાયરલ વીડિયો અંગે પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, 'મેં વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે. મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો, તેમ છતાં મારા વીડિયો થકી કોઈની લાગણી દુભાતી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગું છું. આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.'