હવે ક્ષત્રિયોને માલધારીઓનો પણ ટેકો, ભાજપની પત્ર લખી મત આપવા આજીજી, તો આ સંપ્રદાયની કમળનું બટન દબાવવા અપીલ
Parshottam Rupala row : ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. બીજી તરફ રાજ્યમાં ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ યથાવત્ છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રેલી, ધર્મરથ અને અસ્મિતા સંમેલન યોજીને ભાજપને મત ન આપવા માટેની અપીલ કરાઈ રહી છે. આ વચ્ચે ભાજપે ખાસ પત્ર લખીને ક્ષત્રિય સમાજને મનાવવાનો પ્રયાસ કર્યો છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભાજપને સમર્થન આપવાની વાત કરાઈ છે. તો માલધારી મહાપંચાયત દ્વારા ભાજપને ઝટકો મળ્યો છે.
કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા ભાજપને સમર્થન
કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા પત્ર લખીને હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે 7 મેનાં રોજ હરિભક્તો કમળનું બટન દબાવી ભાજપને મત આપે. તેજેન્દ્રપ્રસાદ મહારાજ, કૌશલેન્દ્રપ્રસાદ અને વ્રજેન્દ્રપ્રસાદ દ્વારા હરિભક્તોને અપીલ કરવામાં આવી છે. આ પત્રમાં રામ મંદિર બનાવવાના નિર્માણમાં સહભાગી થવા ભાજપને મત આપવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકીય મતભેદ ભૂલી જઈ કમળનું બટન દબાવવા પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
માલધારી મહાપંચાયત દ્વારા ભાજપનો વિરોધ
સમગ્ર માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે. ક્ષત્રિય અને માલધારી સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી રહ્યાં છે. ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા માલધારી સમાજને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ક્ષત્રિયો સમાજની અસ્મિતાની લાગણીને માન ના આપીને ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરશોત્તમ રુપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવી નથી. ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો-2022 લાવવામાં આવ્યો, જેમાં શહેરી વિસ્તારમાં માલિકની ઘર આંગણેથી ગેરકાયદેસર પશુ પડાવવાની પ્રવૃત્તિ બંધ કરવા બદલ તેમજ ખોટા કેસ કરવા બદલ અને માલધારી સમાજની બહેન દીકરીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો. શહેરમાં ઘાસચારો આવવા દેવામાં આવતો નથી.
ઉપરાંત દેવોગીર બરડા આલેચના માલધારીઓના 17551 કુટુંબોને ST દરજ્જા બાબત હોય તેમજ માલધારી-ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરવામાં આવ્યો છે. આ દરેક કારણોને લીધે માલધારી મહાપંચાયત માલધારી સમાજને આહ્વાન કર્યું છે કે, માલધારી સમાજ ભાજપને મત નહીં આપે અને કોગ્રેસ તથા આમ આદમી પાર્ટીને મત આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
કારડિયા રાજપૂત સમર્થન
કારડિયા રાજપૂત સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કર્યો છે. કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ નારણભાઈ મોરી અને મંત્રી ભૂપતભાઇ પરમાર દ્વારા સમાજ જોગ સંદેશો મોકલવામાં આવ્યો છે. કારડીયા રાજપુત સમાજનું તા.03-05-24ના રોજ ભાવનગર ખાતે યોજાયેલ મહાસંમેલનમાં અમે સહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉભા રહેવાનો નિર્ધાર કર્યો છે. પ્રખર રાષ્ટ્રવાદના નૂતન પ્રણેતા અને ભારતના વિકાસની ખેવનામાં જાત ઘસી નાખનારા આપણાં નરેન્દ્રએ સનાતન ધર્મના વિકાસ અને રક્ષા કાજે લીધેલા પગલાં કયારેય ભૂલી નહિ શકાય. સૂર્યવંશી પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં અતિભવ્ય મંદિરનું નિર્માણ તેની સાક્ષી પૂરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર રાષ્ટ્રવાદ જ નહિ પણ રાષ્ટ્ર વિકાસવાદના પણ પુરસ્કર્તા રહ્યા છે. આપણે સહુ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સહયોગ આપીએ અને સનાતન ધર્મના ધ્વજને આપણા કિંમતી અને પવિત્ર મતોથી ફરકતો રાખીએ. આવો, કમળને મત આપીએ અને મા ભારતીનું મસ્તક ગર્વથી ઊંચું રાખીએ.
ભાજપે ખાસ પત્ર લખીને કરી અપીલ
ક્ષત્રિય અસ્મિતા સંમેલન કરીને ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને મત ન આપવા માટેની અપીલ કરાઈ રહી છે. ક્ષત્રિય સંસ્થાઓની સંકલન સમિતિએ પણ ભાજપનો વિરોધ કરવાનું સ્પષ્ટ કરી દીધું છે. તેવામાં હવે ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પ્રેસનોટ જારી કરીને રાજપૂત સમાજના લોકોને રૂપાલાને માફ કરવા માટેની અપીલ કરી છે. પ્રેસનોટમાં 'ક્ષમા વીરસ્ય ભૂષણમ'ના ક્ષાત્રધર્મનું પાલન કરીને ભાજપને સમર્થન જાહેર કરી મત આપવા માટેની અપીલ કરવામાં આવી છે.
ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, માંધાતાસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, બળવંતસિંહ રાજપૂત, જયદ્રથસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સરવૈયા. કિરીટસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સી.કે. રાઉલજી, અરુણસિંહ રાણા, વીરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ એક સંયુકત નિવેદન આપીને ક્ષત્રિય સમાજને વડાપ્રધાન મોદીને સમર્થન આપવા માટેની અપીલ કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણ સાથે કલમ 370 હટાવવામાં આવી છે અને હવે ભારત 'વિશ્વગુરુ' બનવા તરફ જઈ રહ્યું છે. આ પ્રક્રિયામાં નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવામાં આવે તેવી સમાજને અપીલ છે.