પરશોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી! ક્ષત્રિય સમાજ અંગે નિવેદન મામલે ચૂંટણી પંચે તપાસના આપ્યા આદેશ
Parshottam Rupala News : સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટથી ભાજપે પોતાના લોકપ્રિય નેતા પરશોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. રૂપાલાની ઉમેદવારી પર અહીં દરબાર (ક્ષત્રિય) સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે. તેની પાછળ રૂપાલાનું એક નિવેદન જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજ જ્યારે વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે હવે રૂપાલાની મુશ્કેલીઓ વધતી જણાય રહી છે.
પરશોત્તમ રૂપાલાના નિવેદન અંગે ચૂંટણી પંચ એક્શનમાં
ચોક્કસ સમાજ અંગેના નિવેદન બાદ પરશોત્તમ રૂપાલા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ચૂંટણી પંચે સબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ આપ્યો છે. જો તેમના નિવેદનમાં વિવાદાસ્પદ જણાય તો આ અંગે ચૂંટણી પંચને જાણ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીને સૂચના અપાઈ છે.
શું હતો સમગ્ર વિવાદ ?
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી
કોઈની લાગણી દુભાતી હોય તો દિલથી માફી માંગું છું : પરશોત્તમ રૂપાલા
વાયરલ વીડિયો અંગે પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, 'મેં વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે. મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો, તેમ છતાં મારા વીડિયો થકી કોઈની લાગણી દુભાતી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગું છું. આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.'
પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું?
રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, 'અંગ્રેજોએ દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેઓની તલવાર આગળ પર નહોતા ઝૂક્યા.'
છેલ્લા ઘણા સમયથી એક પ્રથા પડી ગઈ એવું લાગે છે ?🤔
— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 24, 2024
પહેલા #વાણી_વિલાસ કરવાનો અને પછી માફી માંગી લેવાની ?🤔
રૂપાલા સાહેબને ડાયરા સાંભળવાનો શોખ છે તો એકવાર ઇતિહાસ પણ સાંભળી જ લેવો હતો.
જો કે આ એ દિલદાર સમાજ છે જેને 562 દેશી રજવાડાં દેશના એકીકરણ માટે આપી દીધા હતા..@PRupala pic.twitter.com/XoxtX9jF5d