VIDEO: 'આ બાઇટિંગનો માલ ને? અમરેલી માર્કેટ યાર્ડમાં રૂપાલાએ ઓળખી કાઢી મગફળી
Parshottam Rupala Controversy Statement : આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મગફળી ફોલીને ખાઈને હિંમતનગરથી ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે અમરેલી માર્કેટયાર્ડમાં રાજકોટ સાંસદ પરશોત્તમ રૂપાલાએ ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે યાર્ડમાં ફરી મગફળીનું નિરિક્ષણ પણ કર્યું. એક વેપારીને ત્યાં મગફળીને હાથમા લીધી, તો વેપારીએ કહ્યું 'આ 20 નંબરની મગફળી છે', તો રૂપાલા તરત બોલી ઉઠ્યા, 'આ બાઈટિંગનો માલ ને?' આ વાક્ય સાંભાળી આસપાસ ઉભેલા નેતાઓ અને લોકો ખડખડાટ હસી પડ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ભારે વાઈરલ થયો છે.
આ પ્રસંગે અમરેલી માર્કેટયાર્ડમાં દિલીપ સંઘાણી, ઉપદંડક કૌશિક વેકરિયા અમરેલીના સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓ હાજર હતા. પરશોત્તમ રૂપાલા મગફળી મુદ્દે જે બોલ્યા તેને લઈને હાજર નેતાઓ પહેલરા તો ચોકી ગયા બાદમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું.
ઘટનાનો વીડિયો વાઈરલ થતા લોકોની પ્રતિક્રિયાઓ પણ ખૂબ આવી. કેટલાકે કમેન્ટ કરી કે, 'આપણા નેતાઓને દરેક વાત મજાક લાગે છે, ખેડૂતો કેટલી મહેનત કરે છે તે વિશે જાણતા નથી'. તો કેટલાક લોકોએ રાજ્યમાં દારૂબંધી નામ માત્રની હોવાની પણ પણ કમેન્ટ કરી.
રૂપાલાએ કર્યું તેલ કાઢવાનું સૂચન
આ પ્રસંગે રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ ખેડૂતોના મગફળીના ભાવ મુદ્દે કહ્યું હતું કે 'અત્યારે તમે જે નોડલ તરીકે ખરીદી કરો છો. તમે ખરીદી કરીને સરકારને આપી દેવાના છો. તેમનું ગોડાઉન હશે, ટ્રાંસપોર્ટેશન હશે વગેરે...વગેરે.. પરંતુ આપણી અમરેલીની સંસ્થાઓ ભેગી થાય અને બધા ભેગા મળીને આ માલ કોઇને ન આપો, એવું કંઇક કરી શકાય. તે અંગેનો વિચાર કરો. એ માલને પીલી નાખો અને તે માલનું તેલ કાઢી નાખો. આ દિશામાં બધુ જ થઇ જાય તો ઇચ્છનિય છે. ના થાય તો ટ્રાયલ કરી શકાય કે કેમ તેના માટે પણ પ્રયાસ કરો. આ વિધિથી આપણા ખેડૂતોના ભાવની સમસ્યા સોલ્વ થઇ જાય એવું છે. એવો મારો મત છે'.