પરશોત્તમ રૂપાલાને લઈને મોટા સમાચાર, ગોંડલ બેઠક બાદ તેઓ ગધેથડ લાલબાપુના આશ્રમ જશે
Parshottam Rupala News : પરશોત્તમ રૂપાલાના વિવાદને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. વિવાદનો અંત લાવવા માટે સામાજીક, રાજકીય બાદ રૂપાલા સંતોના શરણે જઈ શકે છે. ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળશે. આ બેઠક બાદ રૂપાલા ગધેથડ લાલબાપુના આશ્રમ ખાતે જશે. પરંતુ આજની બેઠકમાં શું પરિણામ આવે છે તે જોવું રહ્યું.
રૂપાલા ગધેથડ લાલબાપુ પાસે ક્ષત્રિય સમાજની માફી માંગવા જશે
રૂપાલા ક્ષત્રિય સમાજની આસ્થાના ધામ ગધેથડ ગાયત્રી આશ્રમમાં લાલબાપુના આશીર્વાદ લઈને તેમની પાસે ક્ષમા માગવા માટે જઈ શકે છે. મળતી માહિતી અનુસાર, ગોંડલ ખાતેની ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ કરીને તેઓ ગધેથડ જશે.
આજે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની મોટી બેઠક મળશે
આજે રાજકોટના ગોંડલના શેમાળા ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ફાર્મ હાઉસ 'ગણેશગઢ' ખાતે એક મોટી બેઠક મળવા જઈ રહી છે. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, કરણી સેના સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ક્ષત્રિય સમાજને મનાવવાનો પ્રયાસ કરાશે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠકમાં કેસરીસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ, કિરીટસિંહ રાણા, હકુભા જાડેજા અને નરેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
જયરાજસિંહની બેઠક પર ક્ષત્રિય સમાજનો વિરોધ
આજે ગોંડલમાં થઈ રહેલી જયરાજસિંહની બેઠકને લઈને ક્ષત્રિય મહિલા આગેવાનો વિરોધ કરી રહ્યા છે. ભાજપ નેતા અને ગુજરાત કરણી સેના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાનો પણ ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, 'જયરાજસિંહ ભાઈ આપણા મોટા ભાઈ છે પણ સમાધાનની વાત આવશે તો કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી.' પદ્મિનીબા અત્યાર સુધી રૂપાલાનો પ્રચાર કરતા હતા. પરંતુ વિવાદ બાદ તેમણે ઉમેદવાર બદલવાની વાત કરી છે.
પરશોત્તમ રૂપાલાની સુરક્ષામાં વધારો
રાજકોટમાં સ્થિત પરશોત્તમ રૂપાલાના ઘરે અને તેમના ભાજપ કાર્યાલય પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ ખાનગી બાઉન્સર અને સુરક્ષાકર્મીઓ પણ ગોઠવવામાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાના નિવાસસ્થાને બે ગનમેન ગાર્ડ સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસ એસ્કોર્ટમાં એક PSI સાથે ત્રણ પોલીસકર્મી સહિત ચાર પોલીસ જવાનને સાથે વધારાની ફાળવણી કરવામાં આવી છે.
રૂપાલાની ટિકિટ રદ કરે તેવી ક્ષત્રિય સમાજની માંગ
ગરુવારે રાજ્યના 90 જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો, પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારાઈ છે. આ અંગે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાનો સંપર્ક સાધતા જણાવ્યું કે, 'રાજકીય નેતાઓ સમાધાનના પ્રયાસો થઈ રહ્યાની વાતો કરે છે પરંતુ, અમે આવા કોઈ પ્રયાસો કર્યા નથી. પરશોત્તમ રૂપાલા પોતે એક શિક્ષિત વ્યક્તિ છે, તેમણે ભાષણમાં જે કહ્યું તે જાણીબુઝીને કહ્યું છે અને તેને માત્ર એક વિડીયોમાં માફી માંગી લે એટલે માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી. ભાજપ તેની ઉમેદવારી રદ કરે તેવી માંગણી અમે કરી છે.'
સો. મીડિયામાં બોયકોટ પરસોત્તમ રૂપાલા
ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ ભાજપ રદ કરે તેવી માગ સાથે 'હેઝટેગ બોયકોટ પરસોત્તમ રૂપાલા'નું સ્ટેટ્સ સોશિયલ મીડિયામાં લગાડવામાં આવી રહ્યું છે. આ સાથે સોશિયલ મીડિયા પર ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ પ્રકારે વિરોધ કરાઈ રહ્યો છે.
ચૂંટણી અધિકારીને તપાસના આદેશ આપ્યા
ચોક્કસ સમાજ અંગેના નિવેદન બાદ પરશોત્તમ રૂપાલા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ચૂંટણી પંચે સબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ આપ્યો છે. જો તેમના નિવેદનમાં વિવાદાસ્પદ જણાય તો આ અંગે ચૂંટણી પંચને જાણ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીને સૂચના અપાઈ છે.
લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજે કર્યો બદનક્ષીનો દાવો
કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટનાં રાજવી પરિવારના વંશજ આદિત્યસિંહ ગોહિલે રાજકોટ કોર્ટમાં ધસી જઈને પરશોત્તમ રૂપાલા સામે જાહેરસભામાં મત મેળવવાની લાલચે ક્ષત્રિય સમાજને નીચા દેખાડવા તેવો વિડીયો વાયરલ થયો છે તે અંગે આઈ.પી.સી.499,500 હેઠળ ફરિયાદ કરી છે. રૂપાલા સામેના રોષને વાચા આપવા ત્રણ-ચાર દિવસ બાદ રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજવા પણ જાહેર કરાયું છે તેમ ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું.
રૂપાલા સામે ઊંઝામાં પોલીસ ફરિયાદ
ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતાં ક્ષત્રિય સમાજમાં બેઠકોનો દોર શરૂ થયો છે. એટલુ જ નહીં, સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં ય વિરોધ વંટોળ ઉઠ્યો છે. ઉંઝામાં રુપાલા વિરૂધ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ કરાઈ છે. અમદાવાદમાંય ક્ષત્રિયોની એક બેઠક મળી હતી જેમાં મતના માધ્યમથી ભાજપને સબક શિખવાડવા નક્કી કરાયુ છે.
શું હતો સમગ્ર વિવાદ?
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી.
પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું?
રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, 'અંગ્રેજોએ દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેઓની તલવાર આગળ પર નહોતા ઝૂક્યા.'
કોઈની લાગણી દુભાતી હોય તો દિલથી માફી માંગું છું: પરશોત્તમ રૂપાલા
વાયરલ વીડિયો અંગે પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, 'મેં વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે. મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો, તેમ છતાં મારા વીડિયો થકી કોઈની લાગણી દુભાતી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગું છું. આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.'