મોરબીમાં પરશોત્તમ રૂપાલાએ ચૂંટણી સભા ગજાવી, ક્ષત્રિય સમાજને મનાવવા ફરી એકવાર કરી અપીલ
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે ગુજરાતમાં 13 દિવસ બાદ ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે રૂપાલાના નિવેદનને લઈને નારાજ થયેલા ક્ષત્રિય સામજને મનાવવાનો પ્રયાસ પૂરજોશમાં થઈ રહ્યો છે. આ વચ્ચે પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala)એ મોરબીના રવાપરમાં રોડ શો યોજીને સભા સંબોધી હતી, જેમાં તેમણે ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી.
રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી અપીલ
ગુજરાતમાં ભાજપે હવે તમામ 25 બેઠકો પર વિજયનું લક્ષય રાખ્યું છે ત્યારે રાજકોટ લોકસભાના ઉમેવદવાર પરશોત્તમ રૂપાલાએ મોરબીમાં રવાપર ખાતે રોડ શો કર્યા બાદ પોતાના સંબોધનમાં નાની મોટી વાતો ભૂલી રાષ્ટ્રના હિતમાં જોડાવા અને મોદીના હાથ મજબૂત કરવા સમર્થ ભારતને બનાવવા માટે ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે પરશોત્તમ રૂપાલા પડધરી-ટંકારા વિધાનસભા કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી.
રૂપાલાએ 'જય શિવાજી જય ભવાની'ના નારા પણ લગાવ્યા
પરશોત્તમ રૂપાલાએ સભામાં 'જય શિવાજી જય ભવાની'ના નારા પણ લગાવ્યા હતા. રૂપાલાએ પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે 'વડાપ્રધાનની કોઈ સ્પર્ધા દેખાતી જ નથી, કેટલીય બીજી જાન નીકળી છે પણ એમાં કોઈ વરરાજા નથી, કોઈએ ખોખારો ખાઈને કીધું જ નથી કે હું વડાપ્રધાન બનવા માંગુ છું. જ્યારે મોદીએ કીધું છે કે હું ત્રીજી ટર્મમાં આવીશ.
ભાજપે સુરતમાં ઈતિહાસ સર્જ્યો
નોંધનીય છે કે ગુજરાતમાં સાતમી મેએ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા સુરત બેઠક પર ભાજપે ઈતિહાસ સર્જ્યો છે. આ બેઠક પરથી કુલ આઠ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.