'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ કેમ?', ક્ષત્રિયોના દેખાવ સામે રૂપાલાએ વ્યથા ઠાલવી
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કામાં મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshaottam Rupala) સામે ક્ષત્રિય સમાજનો રોષ હજુ પણ યથાવત છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી અંગે અગાઉ બે વખત માફી માગી છે ત્યારે રૂપાલાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા ક્ષત્રિય સમાજ સામે ફરી એકવાર માફી માગીને કહ્યું હતું કે 'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ કેમ?'
ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે જેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિયોમાં રૂપાલાના નિવેદનને લઈને નારાજગી યથાવત છે અને ક્ષત્રિયો દ્વારા ગામે-ગામ ભાજપ અને રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે રૂપાલાએ શુક્રવારે જસદણમાં જાહેર સભામાં ક્ષત્રિય સમાજ સામે ફરી એકવાર માફી માગી હતી. પોતાના ભાષણમાં ભાજપ ઉમેદવાર રૂપાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો ઉલ્લેખ પણ કર્યો હતો.
સમસ્ત ક્ષત્રિય સમાજને મારી નમ્ર વિનંતી... pic.twitter.com/nPS8bgQsbW
— Parshottam Rupala (मोदी का परिवार) (@PRupala) April 26, 2024
શું કહ્યું રૂપાલાએ ?
રૂપાલાએ સભાના માધ્યમથી રાજ્યના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી કરી હતી કે 'ભૂલ કરી હતી એ મે કરી હતી અને એની મે જાહેરમાં માફી માંગી લીધી છે કેમકે મારો ઈરાદો નહતો. અને સમાજની સામે પણ મે જઈને માફી માગી અને સમાજે એનો મને પ્રતિસાદ પણ આપ્યો. પણ વડાપ્રધાન મોદી સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમારા યોગદાનને યાદ કરો, આ રાષ્ટ્રના ઘડતરમાં તમારું કેવડું મોટું યોગદાન છે, પાર્ટીના વિકાસમાં તમારું કેવડું મોટું યોગદાન છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 કલાક કામ કરીને ભારત સિવાયની કોઈ વાત વિચારતા ન હોય અને 140 કરોડ દેશવાસીઓને પોતાના પરિવાર તરીકે સંબોધન કરતા હોય, ત્યારે નરેન્દ્ર મોદી સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને યોગ્ય નથી લાગતું.'
ક્ષત્રિય સમાજ અડગ
આ ઉપરાંત રૂપાલાએ ક્ષત્રિય સમાજના અગ્રણીઓેને વડાપ્રધાન મોદી સામેના આક્રોશ સામે પુન:વિચાર કરવાની વિનંતી કરી હતી. આ સિવાય રૂપાલાએ છેલ્લે તમામ લોકોને સાતમી તારીખે પ્રંચડ મતદાન કરવાની અપીલ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ (Kshatriya Community)એ રાજકોટ બેઠક (Rajkot Seat) પર રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી રહ્યા છે અને સમાજ દ્વારા દેખાવ યથાવત છે.