Get The App

સંસદનો ઝઘડો સૌરાષ્ટ્રમાં : જામનગરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
સંસદનો ઝઘડો સૌરાષ્ટ્રમાં : જામનગરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી 1 - image


ભાજપે ડો.બાબાસાહેબનું અપમાન કર્યાના મુદ્દે ઠેરઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શનો

રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું પોસ્ટર અને ગોંડલમાં પુતળુ સળગાવ્યું, અમરેલીમાં રેલી યોજી આવેદન,ઉપલેટામાં શાહના રાજીનામાની માંગ

રાજકોટ :  સંસદમાં માનનીયોની મારામારી અને ડો.બાબાસાહેબ આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહમંત્રીના ઉચ્ચારણો મુદ્દે કોંગ્રેસે આજે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલી યોજીને, સૂત્રોચ્ચારો કરીને, અમિત શાહના પુતળાદહન કરીને તેમના રાજીનામાની માંગણી કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યા હતા. જામનગરમાં ભાજપે રેલી યોજી કોંગ્રેસ કાર્યાલયે પહોંચતા બે પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઝપાઝપી,મારામારી થઈ હતી જેમાં કોંગ્રેસના બે નેતાની તબિયત લથડતા હોસ્પિટલે ખસેડાયા છે.

જામનગરમાં ભાજપના કાર્યકરો રેલી કાઢીને ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચ્યા હતા અને ત્યાં રાહુલ ગાંધીનું પુતળાદહન કરવા પ્રયાસકરતા પોલીસે અટકાવ્યા હતા. આ અન્વયે કોંગ્રેસના કાર્યકરો પણ ત્યાં એકત્ર થઈ ગયા હતા અને ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને બાદમાં સંસદની જેમ છુટાહાથની મારામારી શરુ થઈ હતી. આ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને યુવક કોંગી પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતા તેમને દાખલ કરાયા છે.

રાજકોટમાં સંસદમાં ભાજપના સંસદસભ્યએ કેન્દ્રીય ગૃહમંત્રીના ઈશારે ગુંડાગીરી આચર્યાના આક્ષેપ સાથે ત્રિકોણબાગ ચોક ખાતે એકત્ર થયેલા કોંગ્રેસના અનુ.જાતિ અને ઓ.બી.સી. મોરચાના નેતાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન ધરણાં  કર્યા હતા, કેન્દ્રીય ગૃહમંત્રીના પોસ્ટરને પલિતો ચાંપ્યો હતો. પોલીસે ધસી આવીને અટકાયતો શરુ કરતા ઘર્ષણ થયું હતું.

અમરેલીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચારો સાથે પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને રેલી યોજી હતી અને અમિત શાહ રાજીનામુ આપે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ભાજપ અને ગૃહમંત્રીએ ડો.બાબાસાહેબ આંબેડકર વિષે અકલ્પનીય શબ્દો વાપરીને તેમનું અપમાન કર્યું છે અને સંસદની ગરિમા લજવી છે તેમ જણાવાયું હતું.

ગોંડલમાં માંડવી ચોકમાં પોલીસ ચોકી પાસે અમિત શાહના પુતળાનું દહન કર્યું હતું અને પોલીસ ત્યારબાદ દોડતી થઈ હતી. આ અંગે ગોરાભાઈ સરવૈયા, નિતીનભાઈ સાંડપા, મનોજભાઈ પરમારે પુતળા દહન કર્યાનું ખુલતા પોલીસે  ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી હતી.પોલીસે જણાવ્યું કે તેમની જાણ બહાર પુતળા દહન કરાયું હતું.

ઉપલેટામાં બસ સ્ટેન્ડચોક ખાતે ડો.આંબેડકરજીની પ્રતિમા પાસેથી બેનરો સાથે સ્વયં સૈનિક દળ દ્વારા સૂત્રોચ્ચારો સાથે રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર અપાયું હતું અને ગૃહમંત્રી પદેથી અમિત શાહ રાજીનામુ આપે તેવી માંગ કરાઈ હતી.  


Google NewsGoogle News