ધંધાદારી ફૂડ ઝોનમાં પાર્કિંગની જગ્યામાં પ્લેઝોન બનાવી દેવાતા રોડ પર જ પાર્કિંગ

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
ધંધાદારી ફૂડ ઝોનમાં પાર્કિંગની જગ્યામાં પ્લેઝોન બનાવી દેવાતા રોડ પર જ પાર્કિંગ 1 - image


- શાસક પક્ષના દંડકના સહયોગથી ચાલતો ફૂડ ઝોન પહેલાથી જ વિવાદમાં\

ધંધાદારી ફૂડ કોર્ટ શરૃ કરનારા ૫૦ ટકા પાર્કિંગના નિયમનો ભંગ કરે છે ફૂડ કોર્ટની આસપાસ રોડ પર આડેધડ પાર્કિંગ સ્થાનિકો માટે આફતરૃપ

 સુરત

સુરત મ્યુનિ. વિસ્તારમાં કેટલાક વખતથી એક જ પ્લોટમાં તમામ ફુડની આઈટમના સ્ટોલ બનાવી ફૂડ કોર્ટનો નવો ટ્રેન્ડ શરૃ થયો છે. આ ટ્રેન્ડ ખાણી પીણીના શોખીન સુરતીઓ માટે આશીર્વાદ સમાન છે તો બીજી તરફ ફૂડ કોર્ટના સંચાલકો ધંધાદારી વલણ અપનાવી પાર્કિંગની જગ્યામાં પ્લે ઝોન ઉભા કરી અનેક નિયમોનું ઉલ્લંઘન કરે છે.  આવા ફૂડ કોર્ટ આસપાસના રહીશો માટે આફતરૃપ બન્યા છે.

સુરત મ્યુનિ. ફૂડ કોર્ટ માટે જગ્યાની ફાળવણી કરે છે પરંતુ તેમાં ૫૦ ટકા જગ્યા પાર્કિંગ માટે અનામત રાખે છે. આવી જ રીતે ખાનગી ફૂડ કોર્ટ પણ શહેરમાં અનેક છે. તેઓ માટે પણ ૫૦ ટકા પાર્કિંગની જગ્યા અનામત રાખવાની હોય છે. પરંતુ ફૂડ કોર્ટ શરૃ થાય તેના થોડા દિવસ પાર્કિંગની જગ્યા પૂરતી રાખે છે, ત્યાર બાદ રાજકીય વગ કે અન્ય કોઈ રીતે પાર્કિંગની જગ્યા ગેરકાયદે કવર કરીને તેના પર વધારાના સ્ટોલ બનાવવા કે પ્લે ઝોન ઉભા કરી દેવામાં આવતા હોવાના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે.મ્યુનિ.એ પાલ આરટીઓ બહાર કડકાઈથી ખાણી-પીણીની લારીઓ બંધ કરાવીને ઝીરો દબાણ રૃટનો અમલ કર્યો છે. તેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો હલ આવ્યો છે. જોકે, આ જગ્યાએ ઉભા રહેતા લારી કે વાહનવાળા આસપાસના વિસ્તારની ગલીઓ અને અન્ય રોડ પર દબાણ કરી રહ્યાં છે આ દબાણ રહેણાંક વિસ્તારમાં હોવાથી સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે. પાલ ઉમરા બ્રિજ થી પાલ ગામ તરફ જતો રોડ વર્ષોથી દબાણ મુક્ત હતો પરંતુ આમાંથી કેટલાક લારી-વાહનવાળા આ રોડ પર દબાણ કરવા લાગ્યા હતા. સ્થાનિકોની ફરિયાદ બાદ મ્યુનિ.એ આ દબાણ દુર કરાવતા ગેલેક્ષી સર્કલ નજીક ભાજપના શાસક પક્ષના દંડક ધર્મેશ વાણીયાવાલાના સહયોગથી ચાલતા લા પેન્ટાલા ફૂડ કોર્ટમાં પાર્કિંગની જગ્યમાં અનેક લારીઓ શરૃ થઇ ગઇ છે. અને પાર્કિંગની અડધી જગ્યા પર પ્લે ઝોન બનાવી નાની ચગડોળ, જમ્પિંગ સહિતની ગેમ ઉભી કરી દેવામાં આવી છે. હાલમાં ચાલતા વિવાદ બાદ આ જગ્યાને સીલ કરવામાં મ્યુનિ. તંત્રએ બેવડા ધોરણ અપનાવ્યા હોવાનો વિવાદ ચાલી રહ્યો છે પરંતુ હજી સુધી આ ફુડ ઝોન દ્વારા રસ્તા પર આડેધડ પાર્કિંગ કરતા હોવાની સમસ્યાનો અંત આવ્યો નથી. આવી સ્થિતિને કારણે ફૂડ કોર્ટમાં આવતા લોકો હવે જાહેર રસ્તા પર આડેધડ પાર્કિગ કરી રહ્યા છે. આ ફૂડ કોર્ટની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી ઘણી વાર તેમના ગેટ નજીક પણ પાર્કિંગ થઇ જાય છે. તેમાં પણ વીક એન્ડમાં આ રોડ પર આડેધડ પાર્કિંગ થતું હોવાથી અકસ્માતની ભીતિ રહેલી છે. આવી જ રીતે રાજકીય વગ ધરાવતા ફૂડ કોર્ટ દ્વારા ગેરકાયદે સ્ટોલ ઉભા કરવા કે પાર્કિંગની જગ્યા કવર કરવા જેવી ગેરરીતિ કરવામાં આવે છે. પરંતુ મ્યુનિ. રાજકીય દબાણને કારણે આવા પાર્કિંગ ખુલ્લાં કરાવી શકતી નથી તેનો ભોગ સામાન્ય પ્રજાએ બનવું પડે છે.


Google NewsGoogle News