અમરેલીમાં પરેશ ધાનાણીનું 'નારી સ્વાભિમાન આંદોલન' શરુ, નેતાઓ જોડાયા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Nari Swabhiman Andolan Congress : અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. 24 કલાકના અલ્ટિમેટમ બાદ આજથી અમરેલીના રાજકમલ ચોક ખાતે પરેશ ધાનાણી 24 કલાક માટે 'નારી સ્વાભિમાન આંદોલન' પર બેઠા છે.
પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આમરણાંત ઉપવાસ શરુ કર્યા છે. આ આંદોલનમાં લલિત કગથરા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, પ્રતાપ દુધાત,વિરજી ઠુમ્મર, જૈનીબેન ઠુમ્મર, કોંગ્રેસના મહીલા આગેવાન ગીતાબેન પટેલ, પૂર્વ ધારાસભ્યો સહિતના કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
લલિત કગથરાએ ભાજપના નેતાઓને આપ્યું ખુલ્લું આમંત્રણ
અમરેલી પોલીસનું નિંદનીય વર્તણૂક છે. નારણભાઇ કાછડિયાને પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે અમરેલીના ચોકમાંથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આવો નારણભાઇ સિંહન કલેજા સાથે આ દિકરીને ન્યાય ન મળે ત્યાં સુધી આપ લડાઇ કરો. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે મૂંગા રહીને સમર્થન આપે છે. તેમને કહીશ કે ખુલ્લામાં આવો, કોઇના ડરો છો. તમારા અંતર આત્મા ક્યાં ગયા છે? ભાજપના હોદ્દા લઇને મરી ગયા છે? આ મામલે ભાજપ-કોંગ્રેસ નથી કરવાનું. દિકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડાઇ લડો. આપ સૌને ખુલ્લું આમંત્રણ છે.
આ પણ વાંચો: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી, કહ્યું- 'અત્યારે નહીં સવારે લઈ જજો'
બે દિવસ પહેલાં ઉપવાસ ઉપર ઉતરવાની આપી હતી ચીમકી
પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી પાટીદાર યુવતીને ન્યાય આપવા માંગ કરી છે. તેમણે બનાવટી લેટર કાંડમાં ફસાયેલી યુવતી પાયલ ગોટી નિર્દોષ હોવાની પણ વાત હતી. પરેશ ધાનીએ કહ્યું હતું કે પાયલ ગોટીને પોલીસે 16 કલાક સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. પાટીદાર યુવતી પાયલ ગોટીનો જાહેર વરઘોડો કાઢનાર લોકોને જો આજે છોડી મૂકવામાં આવશે તો આવતીકાલે મારી કે તમારી દીકરી સલામત નહીં રહે.
આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવે. દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ઉતારી દીકરીને ન્યાય આપો. જો 24 કલાકમાં પગલાં નહી લેવાય તો ગુરુવારે સવારે 10:00 વાગ્યાથી અમરેલી પોલીસ જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી.