રાજકોટ બેઠક પરથી પાટીદાર vs પાટીદારની જંગ નક્કી! રૂપાલા સામે ધાનાણીના ચૂંટણી લડવાના સંકેત
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારી તેજ કરી દીધી છે ત્યારે હવે રાજકોટ બેઠક પરથી મોટા સામાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ આ બેઠક પરથી ભાજપના રુપાલા સામે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા માગે છે અને આ માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસ શરુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા કોંગ્રેસના કાર્યકરો પરેશ ધાનાણીને મનાવવા અમરેલી પહોંચ્યા હતા. જો કે, પરશોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા પરેશ ધાનાણીએ સંકેત આપ્યા છે.
ધાનાણીને મનાવવા પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ
કોંગ્રેસના કાર્યકરો પરેશ ધાનાણીને મનાવવા અમરેલી પહોંચ્યા હતા આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે,' અમે બધા કાર્યકર્તાઓ અમરેલી આવ્યા છીએ. અમે ધાનાણીભાઈને કહીએ છીએ કે રૂપાલા ભાઈનું જે વાતાવરણ બન્યું છે. એટલે તમારે લડવાનું છે. રાજકોટ બેઠક પર રૂપાલા ચૂંટણી લડે તો જ ધાનાણીભાઈએ લડવાનું છે.'
પરેશે ધાનાણીએ આપ્યા સંકેત
અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 'જો રૂપાલા સાહેબ સ્વેચ્છાએ બેસી જાય, સ્ત્રી હઠનું સન્માન કરે, દેશની દીકરીઓનું સન્માન કરે તો આ સમસ્યાનું સમાધાન થR જાય. જો જલ્દી આનું સમાધાન નહીં થાય તો તમે મુંઝાતા નહીં, આ કાર્યકર્તા છે, જે તમારી લાગણીને માન આપીને રાજકોટના રણમેદાનમાં સેનાપતિ બનીને લડશે. મારૂ નેતૃત્વ મને આદેશ આપે ત્યારે પરેશ ધાનાણી તૈયાર છે.' આ ઉપરાંત તેમણે 'X' કવિતા લખી છે કે, 'જો હવે હથિયાર "હેઠા" નહી મુકાવાય, તો "નવીન મહાભારત" ના રણમેદાનમાં "ગીતાનુ જ્ઞાન" લેવા હુ તૈયાર છુ..!' નોધનીય છે કે, અગાઉ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી.
રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ યથાવત
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે અને ઠેર-ઠેર રૂપાલાના વિરોધમાં બેનરો લાગી રહ્યા છે અને તેમની ટિકિટ રદ કરવાની ઉગ્ર માગ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા રૂપાલાની સામે પરેશ ધાનાણીને લડાવે તેવી શક્યતા વધી ગઈ છે. આજે અતુલ રાજાણી, ગોપાલ અનડકટ સહિતના કોંગ્રેસ નેતાઓ પરેશ ધાનાણીને સમજાવવા માટે અમેરિલી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ માટે રાજકોટ સહિતની કેટલીક બેઠકો પર ટિકિટને લઈને કોકડું ગુચવાયું છે.
કોંગ્રેસની કડવા સામે લેઉવા પાટીદાર ઉમેદવારની રણનીતિ
કોંગ્રેસ રાજકોટ બેઠકને લઈને રણનીતિ બદલી રહી છે અને ભાજપના કડવા પાટીદાર સામે લેઉવા પાટીદાર ઉમેદવારને ઉતારી શકે છે. નોંધનીય છે કે રાજકોટ બેઠક પર કડવા અને લેઉવા પાટીદારોનું પ્રભુત્ત્વ છે ત્યારે કોંગ્રેસ પરેશ ધાનાણીને ઉતારીને પાટીદાર મતદારોને પોતાની તરફ આર્કષી શકે છે. રૂપાલા સામે પહેલેથી ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કવાની માગ પર અડગ છે.