'અફસોસ છે હાલ પરિણામ ન મળ્યું...' અમરેલીમાં પરેશ ધાનાણીએ રાષ્ટ્રગીત સાથે ધરણાં પૂર્ણ કર્યા
Amreli Fake Letter Scandal : અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે 'નારી સ્વાભિમાન આંદોલન' અંતગર્ત 48 કલાકથી ધરણાં પર બેઠેલા પરેશ ધાનાણીને યુવતીએ લીંબુ પાણી પીવડાવ્યું હતું અને રાષ્ટ્રગીત ગાઈ ધરણાં પૂર્ણ કર્યા હતા. ઉપવાસ પૂર્ણ થતાં પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે 'મારી નાદુરસ્ત તબિયતના કારણે મારા માતૃશ્રી પહેલી વખત અહીંયા આવ્યા હતા. ડૉક્ટરોની ટીમ પણ હતી હાલ ધરણાં પૂરા કરવાનો નિર્ણય લીધો છે.'
'આ ધરણાં પૂરા થયા છે અને ન્યાયની લડાઈની શરુઆત થઈ છે. અફસોસ છે કે હાલ પરિણામ મળ્યું નથી. હું મુખ્યમંત્રીને હૃદય પૂર્વક આપીલ કરું છું કે જવાબદારો સામે સરકાર પગલાં ભરે. અમરેલી શહેરના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે નારી સુરક્ષાને સમર્થન આપ્યું છે. કાયદાના જાણકારો ઇરાદા પૂર્વક આવું કરે છે અને તેની સામે આ લડાઈ હતી. 48 કલાકની આ જ્યોતને અમે આગળ વધારીશું. આ ન્યાયની લડાઈમાં સામાજિક અને રાજકીય લોકો જોડાય અને સહકાર આપે.'
પરેશ ધાનાણીએ આ આંદોલને આગળ ધપાવતાં કહ્યું હતું કે, સોમવારે સુરતમાં ધરણાં કરી નારીશક્તિની લડાઈને અમે આગળ વધારીશું. તંત્ર યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી 'નારી શક્તિ આંદોલન સમિતિ' આંદોલન કરવાનો સંકલ્પ કરે છે. હું આ ન્યાયની લડતમાં જોડાવવા ગુજરાતને અપીલ કરું છું.
આ પણ વાંચો : લેટરકાંડ મામલે આજે અમરેલી બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, 22 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ
અમરેલી બંધનું એલાન
સતત 48 કલાકથી દીકરી પાયલને ન્યાય અપાવવા માટે ઉપવાસ પર બેઠેલા પરેશ ધાનાણીએ આજે આંદોલન પૂર્ણ કર્યું હતું. ત્યારે આજે પરેશ ધાનાણીએ અમરેલીના લોકોને સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવા અપીલ કરી છે. અમરેલી શહેરમાં સવારે 8:00 વાગ્યાથી બંધને પ્રતિસાદ મળી રહ્યો છે. અમુક વિસ્તારોમાં દુકાનો બંધ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી રહી છે. આ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કૌશિક વેકરીયા અને હર્ષ સંઘવીનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ
પરેશ ધાનાણીએ માંગ કરી હતી કે આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, તે સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાનો નાર્કો ટેસ્ટ કરવાની મુખ્યમંત્રીને વિનંતી કરું છું. આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી અને રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમરેલી આવવા રવાના થાય. શું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આ પ્રકરણમાં સંડોવણી છે? તે ગુજરાત જાણવા માંગે છે. કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસ. પી. વચ્ચે આ સમયગાળા દરમ્યાન કેટલી વખત વાતચીત થઈ, શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે. એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેવી આ મંચ પરથી માંગણી કરવામાં આવે છે.
પ્રથમ દિવસે ભાજપના નેતાઓને આપ્યું હતું ખુલ્લું આમંત્રણ
'નારી સ્વાભિમાન આંદોલન'ના પ્રથમ દિવસે લલિત કગથરાએ મંચ પરથી ભાજપના નેતાઓને ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમરેલી પોલીસની વર્તણૂક નિંદનીય છે. નારણભાઈ કાછડિયાને પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે અમરેલીના ચોકમાંથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આવો નારણભાઈ સિંહના કલેજા સાથે આ દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી આપ લડાઈ કરો. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે મૂંગા રહીને સમર્થન આપે છે તેમને કહીશ કે ખુલ્લામાં આવો, કોઈથી ડરો છો ? તમારા અંતર આત્મા ક્યાં ગયા છે? ભાજપના હોદ્દા લઈને મરી ગયા છે ? આ મામલે ભાજપ-કોંગ્રેસ નથી કરવાનું. દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ લડો. આપ સૌને ખુલ્લું આમંત્રણ છે.
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી.