Get The App

પરેશ ધાનાણી હજુ 24 કલાક કરશે ધરણા, વેકરીયા અને સંઘવીનો નાર્કો ટેસ્ટ કરાવવાની કરી માંગણી

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
પરેશ ધાનાણી  હજુ 24 કલાક કરશે ધરણા, વેકરીયા અને સંઘવીનો નાર્કો ટેસ્ટ કરાવવાની કરી માંગણી 1 - image


Nari Swabhiman Andolan Congress : અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. ગુરુવાર સવારથી અમરેલીના રાજકમલ ચોક ખાતે પરેશ ધાનાણી 'નારી સ્વાભિમાન આંદોલન' અંતગર્ત 24 કલાક માટે બેઠા હતા, જેને વધુ 24 કલાક માટે લંબાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત આવતીકાલે (11મી જાન્યુઆરી શનિવાર) વેપારીઓને અમરેલી બંધ રાખવાની અપીલ સાથે કૌશિક વેકરીયા અને હર્ષ સંઘવીનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે. 

આંદોલનને વધુ 24 કલાક માટે લંબાવવાની જાહેરાત

પરેશ ધાનાણીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે 'ગુજરાતનું નાક વાઢ્યું છે, ત્યારે નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે (ગુરુવારે) સવારે શરુ થયેલું 'નારી સ્વાભિમાન આંદોલન' તેને આજે (શુક્રવારે) સળંગ 24 કલાક પૂરા થયા છે'. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા છે તે લોકોને હજુ સુધી સજા આપવામાં આવી નથી. ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે. 

પરેશ ધાનાણી  હજુ 24 કલાક કરશે ધરણા, વેકરીયા અને સંઘવીનો નાર્કો ટેસ્ટ કરાવવાની કરી માંગણી 2 - image

આ પણ વાંચો : પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી, કહ્યું- 'અત્યારે નહીં સવારે લઈ જજો'

કૌશિક વેકરીયા અને હર્ષ સંઘવીનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ

વધુમાં, તેમણે જણાવ્યું હતું કે આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, તે સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાનો નાર્કો ટેસ્ટ કરવાની મુખ્યમંત્રીને વિનંતી કરું છું. આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી અને રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમરેલી આવવા રવાના થાય. શું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આ પ્રકરણમાં સંડોવણી છે? તે ગુજરાત જાણવા માંગે છે. કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસ. પી. વચ્ચે આ સમયગાળા વચ્ચે કેટલી વખત વાતચીત થઈ, શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે. એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેવી આ મંચ પરથી સમિતિ માંગણી કરવામાં આવે છે.  

પ્રથમ દિવસે ભાજપના નેતાઓને આપ્યું હતું ખુલ્લું આમંત્રણ

'નારી સ્વાભિમાન આંદોલન'ના પ્રથમ દિવસે લલિત કગથરાએ મંચ પરથી ભાજપના નેતાઓને ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમરેલી પોલીસનું નિંદનીય વર્તણૂક છે. નારણભાઈ કાછડિયાને પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે અમરેલીના ચોકમાંથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આવો નારણભાઈ સિંહના કલેજા સાથે આ દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી આપ લડાઈ કરો. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે મૂંગા રહીને સમર્થન આપે છે. તેમને કહીશ કે ખુલ્લામાં આવો, કોઈના ડરો છો. તમારા અંતર આત્મા ક્યાં ગયા છે? ભાજપના હોદ્દા લઈને મરી ગયા છે ? આ મામલે ભાજપ-કોંગ્રેસ નથી કરવાનું. દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ લડો. આપ સૌને ખુલ્લું આમંત્રણ છે. 

આ પણ વાંચો : અમરેલીમાં પરેશ ધાનાણીનું 'નારી સ્વાભિમાન આંદોલન' શરુ, નેતાઓ જોડાયા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

શું હતી સમગ્ર ઘટના? 

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. 



Google NewsGoogle News