વાલીના રહેઠાણ મોટાવરાછા અને આવકના દાખલા અડાજણ મામલતદાર કચેરીના !
RTE હેઠળ પ્રવેશ મેળવવા 100 થી વધુ શંકાસ્પદ દાખલા
- તમામમાં વાર્ષિક આવક પણ રૃા.1.19 લાખની આસપાસ : પુણા મામલતદાર કચેરીના ટાઉટોની ટોળકીએ કૌભાંડ આચાર્યાની શંકા
સુરત
રાઇટ ટુ એજયુકેશન એકટ( આરટીઇ) માં આ વર્ષે આવકના રજુ થયેલા સર્ટિફિકેટમાં મસમૌટુ અને નવુ કૌભાંડ બહાર આવ્યુ છે. વાલી મોટાવરાછામાં રહેતા હોવાથી સર્ટિફિેકેટ અડાજણ મામલતદાર કચેરીમાંથી લેવાનું હોય છે. પરંતુ આ સર્ટિફિકેટ અડાજણ મામલતદારના બદલે ઇસ્યુ થયુ છે, પુણા મામલતદાર કચેરીમાંથી. આવા એક નહીં ૧૦૦ થી વધુ છે. જેમાં રકમ ૧.૧૯ લાખની આજુબાજુ જ ફરતી હોવાથી આ કરામત કોઇ ટાઉટોની હોવાની ચર્ચા ઉઠી છે. મામલતદારની ટીમ દોડતી થઇ ગઇ હોવાનું જાણવા મળ્યુ છે.
સુરત શહેરમાં આરટીઇ હેઠળ ફોર્મ ભરતી વખતે આવકના દાખલાનું જે ન્યુસન્સ વર્ષોથી ચાલી આવ્યુ છે. તે આ વર્ષે પણ જોવા મળ્યુ છે. મામલતદાર કે જિલ્લા કલેકટર દ્વારા કૌભાડો અટકાવવા માટે કડક કાર્યવાહીઓ કરાઇ છે. તેમછતા ટાઉટો એક બારી બંધ થાય તો બીજી ખુલી જ કાઢે છે. જેનુ જીવંત ઉદાહરણ આ વખતના ફોર્મ ચકાસણીમાં પણ મળ્યુ છે. જેમાં ગમે તેટલા કૌભાડો કરે તો પણ તંત્ર બિલોરી કાચ લઇને બેઠુ હોવાથી પકડી જ પાડે છે. આ વર્ષે જે આરટીઇના ફોર્મની ચકાસણી થઇ રહી છે. તેમાં એક નવુ કૌભાડ બહાર આવ્યુ છે. આ કૌભાડમાં એવુ છે કે વાલી મોટા વરાછામાં રહે છે. અને મોટાવરાછા અડાજણ મામલતદાર કચેરીમાં સમાવિષ્ટ હોવાથી અડાજણ મામલતદાર કચેરીમાંથી જ આવકનુ સર્ટિફિકેટ લેવાનું હોય છે. જયારે આરટીઇમાં ચકાસણી થતા વાલીઓનુ સરનામું મોટા વરાછા હતુ. અને આવકના દાખલા ઇસ્યુ થયા હતા પુણા મામલતદાર કચેરીમાંથી. આમ ચકાસણી કરતા પ્રથમ નજરે આ દાખલા એકદમ સાચા જ હતા. પરંતુ ઉંડાણ પૂર્વક તપાસ કરે તો આ દાખલા બોગસ જ ગણાય. કેમકે અડાજણ મામલતદાર કચેરીના રહેવાસીના દાખલા પુણા મામલતદાર કચેરીમાંથી ઇસ્યુ જ નહીં કરી શકાય.
આ દાખલા ઇસ્યુ થયા હતા તેમાં પાછુ એક કરામત એ થઇ હતી કે મોટાભાગના દાખલાઓમાં જે આવક દર્શાવાઇ હતી તે આવક ૧,૧૯,૮૦૦ , ૧,૧૯,૫૩૩, ૧,૧૯,૯૧૨ આમ આવકના દાખલાઓ જે રજુ થયા છે. અંદાજે ૧૦૦ જેટલા સર્ટિફિકેટમાં આ કૌભાડ થયુ હોવાથી ચોક્કસ ટાઉટોની ટોળકી દ્વારા આ ખેલ પાર પડાયો હોવાની ચર્ચા ઉઠી છે. કેમકે અડાજણ મામલતદાર કચેરીના દાખલાઓ પુણા મામલતદાર કચેરી દ્વારા કેવી રીતે ઇસ્યુ થયા ? આ સર્ટિફિકેટ અંગે જો ઉડાણ પૂર્વક તપાસ થાય તો માત્ર ટાઉટોની ટોળકી જ નહીં, પરંતુ મામલતદાર કચેરીના સ્ટાફનો પણ પદાર્ફાશ થઇ શકે તેમ છે.
આ 100 દાખલા મોટાભાગે 21 અને 22 મી માર્ચે ઇસ્યુ થયા
જે ૧૦૦ આવકના દાખલાનું કૌભાંડ ઝડપાયુ છે. તે કૌભાંડમાં
મોટાભાગના દાખલા પુણા મામલતદાર કચેરીના છે. અને આ તમામ સર્ટિફિકેટ ૨૧ અને ૨૨ મી
માર્ચે ઇસ્યુ થયા છે. આથી આવકના મોટાભાગના દાખલાઓ આ બે તારીખમાં ઇસ્યુ થયા હોવાની
ચર્ચા ઉઠી હોવાથી આ બાબતે તપાસ કરાઇ તો બીજુ મોટુ કૌભાંડ મળે તેમ છે.
તલાટીને ઓવરટેક કરીને સીધા આવકના દાખલા કઢાયાની શંકા
સામાન્ય રીતે આવકના સર્ટિિફિકેટ નું ફોર્મ ભર્યા બાદ તલાટી
પાસે સહી સિક્કા કરાવવાનું હોય છે. તલાટી વાલીની આવક અને આવકના જે પુરાવાઓ રજુ થયા
હતા તે પુરાવાના આધારે સહી સિક્કા મારીને નાયબ મામલતદાર પાસે મંજુરી માટે મોકલી આપે
છે. અને નાયબ મામલતદાર તમામ પુરાવાઓ જોઇને ચેક કરીને આવકનું સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે.
સુત્રોના હવાલેથી મળેલી માહિતી મુજબ જે કૌભાડ ઝડપાયુ છે. તે કૌભાંડમાં તલાટીના સહી
સિક્કા વગર સીધા જ ઇસ્યુ થયા છે. આમ આ આક્ષેપો બાદ તપાસ થાય તો બીજુ કૌભાડ બહાર આવે
તેમ છે.