Audio Clip : 'અમારે શિષ્યવૃત્તિ નથી જોઈતી...પાંચ હજાર ખર્ચીએ ત્યારે રૂ. 900 જ મળે', શાળાની KYC પ્રક્રિયા સામે વાલીનો આક્રોશ
Parents Teacher Audio Clip Viral : સરકારી શાળાઓમાં હાલ દિવાળી વેકેશન શરુ થઈ ચૂક્યું છે. પરંતુ સરકારી શિક્ષકોને હજુ વેકેશન નથી, શિક્ષકોને E-KYC કરવાનો પરિપત્ર થયો છે. ત્યારે એક શિક્ષક અને વાલીની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં શિક્ષક વાલીને ફોન કરીને E-KYC અંગે પૂછે છે. ત્યારે વાલી સરકારી કચેરીએ ઈ-KYC ન થતું હોવાની અને તેનાથી કંટાળી ગયા હોવાની વાત કરે છે. આ સાથે વાલી શિક્ષકને કહે છે કે 'પાંચ હજાર રૂપિયા ખર્ચીને માત્ર 700 રૂપિયા મળે છે. તો અમારે શિષ્યવૃત્તિ નથી જોતી. તમે નવરા હશો, અમે ખેતરમાં કામ કરીએ છીએ. માટે હવે આ બાબતે ફોન ન કરતાં, બાળક સ્કૂલે ન આવે તો ફોન કરજો.'
વાલી અને શિક્ષક વચ્ચે શું થઈ વાતચીત?
- શિક્ષક : કિશોરભાઈ... KYCનું શું થયું?
- વાલી : અરે મશીન બંધ હોય... કાં લાઇટ ના હોય કાં કોમ્પ્યુટર ના ચાલતું હોય.
- શિક્ષક : અમારે ઉપરથી દબાણ હોય છે. ગમે એમ કરીને કરાવોને યાર.
- વાલી : અમે ચાર-ચાર ધક્કા ખાધા હજી થયું નથી. ચાર ધક્કાના 400 રૂપિયા લેખે 1600 રૂપિયા થાય. આ KYC શેમાં માગે?
- શિક્ષક : વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટે.
- વાલી : કેટલી શિષ્યવૃત્તિ મળશે?
- શિક્ષક : 700 રૂપિયા મળે.
- વાલી : અમે અત્યાર સુધીમાં 1600 રૂપિયા KYC માટે નાખ્યા. હજુ બીજા નાખીએ ત્યારે 700 રૂપિયા મળે. કારજ-માધુપુર જવા-આવવાનું ભાડું 150 રૂપિયા અને 700 રૂપિયા રોજી. તેમાં પણ આખો દિવસ ભૂખ્યા રહીએ.
- શિક્ષક : તમારી વાત મુદ્દાની છે પણ અમને ઉપરથી કહેતા હોય છે.
- વાલી : સાંભળીલો માસ્તર, જો તમારે ઉપરથી આવતું હોય તો અમે લેટરપેડમાં લખીને આપી દઈએ કે અમારે શિષ્યવૃત્તિ જોઈતી નથી. KYC માટેના વારાફરતી બધા શિક્ષકોના ફોન આવે છે. તમે નિશાળે નવરા હોવ ભણાવતા હોવ... અમે મજૂરી કામ કરતા હોઈએ. આ આઠમો-નવમો ફોન આવ્યો છે. તમે અમને KYC માટે ફોન ના કરતા.
- શિક્ષક : ઓકે...ઓકે...
- વાલી : અમારે ફક્ત બાળકોને ભણાવવા છે. અમારે શિષ્યવૃત્તિ નથી જોઈતી અને જો દીકરો નિશાળે ના આવે તો ફોન કરજો.
શિષ્યવૃત્તિ માટેનો નવો નિયમ બન્યો માથાના દુઃખાવા સમાન
રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે કેટલાક નવા નિયમો લાગુ કરાયા છે. હવે શિષ્યવૃત્તિ મેળવવા માટે સૌથી પહેલા વિદ્યાર્થીનું બૅંક ખાતું, આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં નામ હોવું ફરજિયાત છે. આ સાથે વિદ્યાર્થીના રેશનકાર્ડને આધાર કાર્ડ અને બૅંક ખાતા સાથે લિંક કરવું પણ ફરજિયાત છે. ત્યારે આ નિયમ મુજબ, જો વિદ્યાર્થીનું નામ રેશનકાર્ડમાં નથી, તો તેમને રેશનકાર્ડમાં નામ ઉમેરાવવું પડશે. જો રેશનકાર્ડ નથી તો નવું રેશનકાર્ડ કઢાવવું પડશે.
આ પક્રિયા પૂર્ણ ન થાય તો શિષ્યવૃત્તિ મળી શકતી નથી. ત્યારે હવે વિદ્યાર્થી અને વાલીને આધાર કાર્ડ કઢાવવા માટે અનેક ધક્કા ખાવા પડે છે, વહેલી સવારથી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક દિવસો સુધી આધાર કાર્ડ નીકળી શકતું નથી. બીજી તરફ બૅંકો દ્વારા બૅંક ખાતુ ખોલી આપવામાં આવતું નથી. ઘણા પ્રયત્નો બાદ વિદ્યાર્થી 5 હજાર જેટલી રકમ બેંકમાં જમા રાખે ત્યારે ખાતું ખોલી આપવામાં આવે છે.