Get The App

નારાયણ સ્કૂલના ટ્રસ્ટીઓ સામે વાલીઓ-બાળકોના દેખાવો, દીવાલ પડયા સ્કૂલને સીલ મરાયું છે

Updated: Feb 13th, 2025

GS TEAM


Google News
Google News
નારાયણ સ્કૂલના ટ્રસ્ટીઓ સામે વાલીઓ-બાળકોના દેખાવો, દીવાલ પડયા સ્કૂલને સીલ મરાયું છે 1 - image


Vadodara : વડોદરાના વાઘોડિયા-ડભોઈ રિંગરોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલની એક દીવાલ ગત જુલાઈ મહિનામાં ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે આ સ્કૂલને સીલ કરવામાં આવી હતી.

સ્કૂલ સંચાલકોએ સ્કૂલમાં ભણતા 1800 જેટલા વિદ્યાર્થીઓને પોતાના જ ટ્રસ્ટની અન્ય એક સ્કૂલમાં ભણવા માટે ખસેડયા છે. જોકે હવે વાલીઓની ધીરજ ખૂટી છે અને વાલીઓ માગ કરી રહ્યા છે કે, બાળકોને અલગથી શિક્ષણ આપવામાં આવે. આજે વાલીઓએ સ્કૂલ ખાતે ભારે હોબાળો મચાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

વાલીઓનું કહેવું હતું કે, અમે સ્કૂલના ટ્રસ્ટીઓને ચાર થી પાંચ વખત રજૂઆત કરી છે. જોકે દર વખતે તેમણે અમને ગોળ ગોળ જવાબો આપ્યા છે. અન્ય સ્કૂલમાં અમારા બાળકો ભણે છે પરંતુ તેમને ત્યાં જોઈએ તેવી સુવિધાઓ મળતી નથી. અમને તો એવું પણ ખબર પડી છે કે, સ્કૂલના ટ્રસ્ટીઓ વચ્ચે આંતરિક મતભેદો હોવાથી નિર્ણય લેવાતો નથી અને તેના કારણે વાલીઓને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે અમે ડીઈઓથી માંડીને મુખ્યમત્રી સુધી પણ રજૂઆત કરી છે. 

વાલીઓએ કહ્યું હતું કે, અમને સ્કૂલ તરફથી સ્પષ્ટ જવાબ જોઈએ છે. કારણકે અમારા બાળકોના શિક્ષણનો સવાલ છે. જો જરૂર પડી તો સ્કૂલની સામે અમે અનશન પણ શરૂ કરીશું. દરમિયાન સ્કૂલ ખાતે વાલીઓની સાથે-સાથે બાળકોએ પણ પ્લેકાર્ડ હાથમાં પકડીને દેખાવો કર્યા હતા અને કહ્યું હતું કે, અમારી શાળા ચાલુ કરો.

વાલીઓની ફરિયાદ વ્યાજબી છે : ટ્રસ્ટી

ઉલ્લેખનીય છે કે, સ્કૂલના ટ્રસ્ટીઓમાં ભાજપના કાઉન્સિલર નૈતિક શાહના પિતા દક્ષેશ શાહ તેમજ શાળા સંચાલક મંડળના પ્રમુખ આર.સી.પટેલનો સમાવેશ થાય છે. ટ્રસ્ટી આર.સી.પટેલે કહ્યું હતું કે, દીવાલ પડી ત્યારે શાળાના મકાનના માલિક અને ટ્રસ્ટીએ કોર્પોરેશનમાં બિલ્ડિંગ ભયજનક હોવાની અરજી આપી હતી. જેના આધારે કોર્પોરેશને શાળાને સીલ કરી હતી. અમને એક નોટિસ આપીને કહ્યું હતું કે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ વગર સ્કૂલ ફરી શરૂ નહીં કરી શકાય. જો સ્કૂલનું સીલ ખોલવામાં આવે તો સ્ટ્રક્ચર એન્જિનિયર સ્કૂલની તપાસ કરી શકે શકે તેમ છે. જોકે મ્યુનિસિપલ કમિશનર રાજકીય દબાણ કે પછી બીજા કારણસર સીલ ખોલવા માટે મંજૂરી આપી રહ્યા નથી તેવું અમને લાગે છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બાળકોને અન્ય સ્કૂલમાં બેસાડયા છે. આ જ સ્કૂલનો સ્ટાફ ત્યાં ભણાવે છે પરંતુ ત્યાં યોગ્ય સગવડો નથી મળતી તેવી વાલીઓની ફરિયાદ વ્યાજબી છે.

Tags :