'મોબાઈલની સ્ક્રીન તૂટી...ને થઈ હત્યા', પારડીમાં સગીરની હત્યાનો ઉકેલાયો ભેદ
Paradi News : વલસાડના પારડીના બાલદા ગામે છેલ્લા 10 વર્ષથી પડતર બિલ્ડિંગની લિફ્ટના ભોંયતળિયેથી ગામમાં જ રહેતા સગીરની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ પછી સમગ્ર મામલે CCTV કેમેરા અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનામાં પોલીસને મૃતકના સગીર મિત્ર પર શંકા જતા તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સગીર આરોપીએ મિત્રની હત્યાને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યાં.
મોબાઈલની સ્ક્રીન તૂટી... ને મિત્રએ કરી હત્યા
વલસાડ જિલ્લાના પારડીના બાલદા ગામે ભેદી સંજોગોમાં સગીર અતુલની લાશ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક અતુલના એક સગીર મિત્રની શંકાના આધારે અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં મૃતક અતુલના મિત્રએ ચોંકાવનારા ખુલાસા કરતાં જણાવ્યું હતું કે, 'અમુત અને મારા વચ્ચે ઝઘડો થયો હતો. અતુલના મોબાઈલની સ્ક્રીન તૂટી ગઈ હતી. જેથી અતુલ મારી પાસે ઘણી વખત મોબાઈલની સ્ક્રીન રીપેર કરવા માટે પૈસા માંગતો હતો. જેમાં અતુલને પૈસા ન આપતા તેણે મારા મમ્મીને સમગ્ર હકીકતની જણાવી હતી. આ પછી મારા મમ્મીએ મને માર માર્યો હતો. જેની અદાવત રાખીને આરોપી સગીરે મિત્ર અતુલને પૈસા આપવાનું કહીને અવાવરું બિલ્ડિંગમાં બોલાવ્યો હતો.'
આરોપી સગીરની પૂછપરછમાં જાણવા મળ્યું કે, બિલ્ડિંગમાં બોલાવ્યા બાદ અતુલને ચોથા માળેથી ધક્કો મારી દીધો હતો. આ પછી આરોપી સગીરે મિત્રને ઈંટોના ઘા મારીને મોતને ઘાટ પહોંચાડ્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. જ્યારે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: પારડીના નિર્માણાધીન બિલ્ડિંગમાંથી મળ્યો ગુમ સગીરનો મૃતદેહ, અતુલની હત્યા થયાની આશંકા
શું હતી સમગ્ર ઘટના?
પોલીસની માહિતી અનુસાર, પારડીના બાલદા ગામે નિર્માણાધીન અને છેલ્લા 10 વર્ષથી પડતર બિલ્ડિંગની લિફ્ટના ભોંયતળિયેથી 29 નવેમ્બરની સવારે ગામની ક્રિષ્ણાકુંજ સોસાયટી, ઈશ્વર નગરમાં રહેતા ઉપેન્દ્ર સેનના પુત્ર અતુલની ભેદી સંજોગોમાં લાશ મળી હતી. જેમાં સગીરનું મોઢું બે-ત્રણ ઈંટથી ઢાંકેલું જોવા મળ્યું હતું. અતુલ ધોરણ 9માં ભણતો હતો. 27 નવેમ્બરની સવારે અતુલ ઘરેથી ગુમ થયા બાદ પરિવારજનોએ શોધખોળ આદરી હતી. સમગ્ર મામલામાં અતુલના શરીર પર ઈજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી.