પારડી દુષ્કર્મ હત્યા કેસ : 25 દિવસમાં 8 મર્ડર કરનાર આરોપીને પકડનાર વલસાડ પોલીસનું સરકારે સન્માન કર્યું
Pardi Rape Case : વલસાડમાં એક 19 વર્ષની છોકરીના દુષ્કર્મ અને મર્ડરના આરોપીને વલસાડ પોલીસ દ્વારા ઝડપી પાડવાની ઘટના બાદ રાજ્ય સરકારના મંત્રી અને રાજ્ય પોલીસ દ્વારા ગાંધીનગર સ્વર્ણીમ સંકુલ ખાતે કાર્યક્રમ કરી વલસાડ પોલીસનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા 12.50 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
વલસાડના ઉદવાડા ખાતે 14 નવેમ્બર 2024ની ઘટના થઈ હતી જેમાં 6.30 વાગે પોલીસને જાણકારી મળી હતી. આ ગુનાની તપાસમાં 4 DYSP, LCB, SOG એમ કુલ 300 જેટલાં પોલીસ કર્મીઓની ટીમ બનાવી હતી જેમાં ઘટના સ્થળેથી નખ, બેગ, કપડાં, વગેરે મળ્યું હતું જેના પરિણામે વલસાડ પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો અને 8 જેટલાં મર્ડરના ગુનાનો ભેદ પણ ખોલ્યો હતો.
આ વિશે માહિતી આપતાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, 'પોલીસ ટીમો મહારાષ્ટ્ર, મુંબઈ મોકલવામાં આવી હતી. જેમાં મુંબઈમાં ફેસ રેકોગનાઈઝેશન કરવામાં આવ્યું હતું. જે પછી આરોપીની વિગતો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, તેલંગાણા, પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવી હતી. જેમાં E prison સોફ્ટવેરથી માહિતી મળી. ત્યાર બાદ આરોપી મૂળ હરિયાણાનો વતની હોવાની વાત સામે આવી હતી. જે બાદ પોલીસ દ્વારા તેના વતનમાં પરિવારને રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને તેની વિગતો કાઢવામાં આવી.'
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'આરોપીએ છેલ્લા ત્રણ મહિનામાં 15 જેટલાં રાજ્યોમાં રેલવેમાં ટ્રાવેલ કર્યું હતું. આરોપી અપંગ હોવાથી ટ્રેનમાં મફતમાં મુસાફરી કરતો અને એણે 16 જેટલાં મોબાઈલ અને 5 જેટલાં સીમ કાર્ડ વાપર્યા હતા. દાદરથી વાપી આવતી ટ્રેનમાં આવતો હતો તે વખતે આરોપીને પકડી પડાયો હતો. એની સામે ચાર રાજ્યોમાં 13 જેટલાં ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આરોપીએ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં મર્ડર જેવા ગુના કર્યા હતા. આ કેસની તપાસમાં 300થી વધુ પોલીસ અધિકારીઓ, 200થી વધુ GRP/ RPF ના કર્મીઓ કામે લાગ્યા હતા અને 2000 જેટલાં CCTV ફૂટેજની તપાસ કરી હતી.'
ગૃહ રાજ્ય મંત્રીહર્ષ સંઘવીએ પોલીસની કામગીરીની બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક જિલ્લો કઈ રીતે સારી રીતે કામ કરી શકે છે, કઈ રીતે SP એ કામ કર્યું હોય, જેલ સિપાઈ અને વાપી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલથી કેટલા લોકોને ન્યાય અપાવી શકાય છે તે માટે ટીમ તરીકેની કામગીરી કરવામાં આવી છે તે માટે પ્રેસને જાણકારી આપવામાં આવી રહી છે. આ આરોપીની ફાંસીની સજા ગુજરાતમાં જ થવી જોઈએ, આ નરાધમે 8 જેટલાં ખૂન કબુલ્યા છે.
આ મુદ્દે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા સુરક્ષા બાબતના વિષયે સતત ચિંતા અને કાર્યવાહી કરાતી હોય છે. 2021થી અત્યાર સુધીમાં રાજ્યમાં 600થી વધુ પોસ્કો કેસમાં કનવિક્સન થયા છે જેનું કારણ પોલીસ કર્મીઓની સારી તપાસ છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસ કઈ રીતે કામ કરી રહી છે તેનું ઉદાહરણ છે. ટેકનોલોજીના ઉપયોગથી ગુનાના પીડિતોને ન્યાય આપવાની પ્રક્રિયા છે જે નવા ત્રણ કાયદામાં જોગવાઈઓ છે.