પરશોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર થયો પથ્થરમારો, પોલીસે તપાસ શરૂ કરી
Divyesh Solanki News : ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી અને ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પરશોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ત્રણ જેટલા શખ્સોએ દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો કર્યો હતો. ઘટના મામલે ઘોઘા પોલીસ સ્ટેશનમાં દિવ્યેશ સોલંકીના ડ્રાઈવરે ફરિયાદ નોંધાવી હતી. હાલ, પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર, પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે, જોકે હજુ તેના બે સાથીદાર ફરાર છે. જોકે, હજુ સુધી પથ્થરમારાનું કારણ સામે આવ્યું નથી.
પોલીસ ફરિયાદ અનુસાર, ગત 30 માર્ચ 2024ના રોજ દિવ્યેશ સોલંકી પીથલપુર (કુકડ) ખાતે રામાપીરના આખ્યાનમાં હાજરી આપવા માટે ગયા હતા. દિવ્યેશ સોલંકીની સાથે તેમના ડ્રાઈવર અને બુધેશ જાંબુચા હતા. ત્યારબાદ તેઓ મોડી રાત્રે ભાવનગર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પીથલપુર ગામની પ્રાથમિક શાળા નજીક તેમની કાર પર અચાનક પથ્થરમારો થયો. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી. કારને નુકસાન થયું હતું.
ડ્રાઈવરના જણાવ્યા અનુસાર, પીથલપુર ગામે કાર પર પથ્થરમારો થતા અમે ગાડી ઉભી રાખી હતી અને અમે સૌ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા. બાદમાં અમારી સાથે હાજર અન્ય ગાડીઓ પણ ઉભી રાખી દેવાઈ હતી. રાત્રીનો સમય હોવાથી અંધારાના કારણે મોબાઈલની ફ્લેશ અને કારની લાઈડથી તપાસ કરી હતી. આ દરમિયાન અમે ત્રણ લોકોને ભાગતા જોયા હતા.
જ્યાં પરશોત્તમ સોલંકીની કાર પર હુમલો થયો હતો ત્યાં જ દિવ્યેશ સોલંકીની કાર પર થયો હુમલો
ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં પરશોત્તમ સોલંકી ઉપર જે સ્થળે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જ તેમના પુત્રની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. પરશોત્તમ સોલંકીની છબી બાહુબલી નેતા તરીકેની છે અને તેમના પુત્રની કાર પર હુમલો થતા ભાવનગરનું રાજકારણ ગરમાયું છે.